Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમેરિકામાં હિંસા - લૂંટફાટ - આગજની

ટ્રમ્પે હથિયારબંધ સેના ઉતારવાની કરી જાહેરાત

વોશિંગ્ટન તા. ૨ : અશ્વેત અમેરિકન જયોર્જ ફલોયડનું પોલીસ કસ્ટડીમાં મોત બાદથી અમેરિકા સળગી રહ્યું છે. કેટલાંય મોટા શહેરોમાં લૂંટફાટ, તોફાનો અને આગચંપીના સમાચાર સામે આવી રહ્યા છે. હિંસાની આગ રાજધાની વોશિંગ્ટન ડીસી અને વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ચૂકી છે. સ્થિતિ બેકાબૂ થતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મિલિટ્રીને ઉતારવાનો નિર્ણય લીધો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જયોર્જ ફલોયડની નિર્મમ હત્યાથી તમામ અમેરિકન દુઃખી છે અને મનમાં એક આક્રોશ છે. જયોર્જ અને તેના પરિવારને ન્યાય અપાવામાં કોઇ કસર છોડશે નહીં. મારા વહીવટીતંત્ર તરફથી પૂરો ન્યાય મળશે. પરંતુ દેસના રાષ્ટ્રપતિ તરીકે મારી પહેલી પ્રાથમિકતા આ મહાન દેસ અને તેના નાગરિકોના હિતોની રક્ષા કરવાનો છે.

ટ્રમ્પે કહ્યું કે મેં આ દેશના કાયદાને સૌથી ઉપર રાખવાની શપથ લીધા હતા અને હું હવે બિલકુલ એ જ કરીશ. તેમણે કહ્યું કે રવિવાર રાત્રે વોશિંગ્ટન ડીસીમાં જે કંઇ થઇ થયું તે ખૂબ જ ખોટું છે. હું હજારોની સંખ્યામાં હથિયારોથી લેસ સેનાના જવાનોને ઉતારવા જઇ રહ્યો છું. તેમનું કામ તોફાનો, આગચંપી, લૂંટ અને માસૂમ લોકો પર હુમલાની ઘટનાઓ પર લગામ લગાવશે.

ટ્રમ્પે રાજયોને કહ્યું કે તેઓ પોતાના નાગરિકોની રક્ષા કરવામાં કોઇ કસર છોડશે નહીં. તેમણે કહ્યું કે જો કોઇ રાજય કે શહેર પોતાના નાગરિકો અને તેમની સંપત્ત્િ।ની રક્ષા કરવાની ના પાડે છે તો હું અમેરિકન ફૌજની ત્યાં તૈનાતી કરી તેમનું કામ તરત સરળ કરી દઇશ. ટ્રમ્પે કહ્યું કે જયોર્જના મોતથી લોકો ખૂબ દુઃખી છે અને ઉપદ્રવીઓને આગળ શાંતિપૂર્વક પ્રદર્શન કરનાર લોકોના વિરોધને નજરઅંદાજ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે હિંસાનો સૌથી વધુ શિકાર માસૂમ અને શાંતિપ્રિય લોકો બન્યા છે અને રાષ્ટ્રપતિ હોવાના નાતે હું અધિકારોની રક્ષા કરીશ.

ગઇ ૨૫મી મેના રોજ ૨૦ ડોલરની નકલી નોટ ઉપયોગ કરવાના આરોપમાં અશ્વેત અમેરિકન જયોર્જ ફલોઇડને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ઘટનાના કેટલાંય વીડિયો સામે આવ્યા તેમાં એક પોલીસકર્મી ૭ મિનિટ સુધી જયોર્જના ગળા પર ઘૂંટણ રાખીને દેખાય છે. જયોર્જ કહેતા-કહેતા બેભાન થઇ ગયો કે હું શ્વાસ લઇ શકતો નથી. પરંતુ આરોપી પોલીસ ઓફિસર ડેરેક શોવિનને દયા આવતી નથી. જયોર્જના મોત બાદ લોકો પોલીસના આ રંગભેદી અત્યાચારની વિરૂદ્ઘ રસ્તા પર ઉતર્યા છે. જો કે વિરોધ પ્રદર્શનની આડમાં કેટલીય જગ્યાએ હિંસા, આગચંપી, દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ પણ સામે આવી છે. છેલ્લા બે દિવસથી વિરોધ પ્રદર્શન રાજધાની વોશિંગ્ટન સુધી પહોંચી ગયું અને વ્હાઇટ હાઉસને બંધ કરવાની નોબત આવી.

(11:20 am IST)