Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બિહામણા કોરોનાની હવા નિકળી ગઈઃ નબળો પડી ગયો

ઈટાલીના ટોચના ડોકટરોનો સનસનીખેજ દાવોઃ કોરોના વાયરસ ધીમે ધીમે પોતાની ક્ષમતા ગુમાવી રહ્યો છેઃ હવે પહેલા બે મહિના જેવો જીવલેણ નથી રહ્યોઃ છેલ્લા ૧૦ દિવસની તપાસમાં વાયરસની માત્રા ઘણી ઓછી જોવા મળીઃ જો કે ડબલ્યુએચઓએ ઈટાલીના ડોકટરનો દાવો ફગાવી દીધો

નવી દિલ્હી, તા. ૨ :. કોરોના મહામારીથી લડી રહેલા દેશો માટે સારા સમાચાર છે. ઈટાલીના ટોચના ડોકટરોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ પોતાની ક્ષમતા ગુમાવી રહ્યો છે અને તે બે મહિના પહેલા જેટલો ઘાતક હતો તેટલો હવે નથી રહ્યો. લોમ્બાર્ડીના સેન રેફેલ હોસ્પીટલના વડા અલ્બર્ટો જંગ્રીલોએ કહ્યુ છે કે કોરોનાની ઘટતી ક્ષમતા લોકો માટે રાહત ભર્યા સમાચાર છે. કલીનીકલ સ્વરૂપથી કોરોના વાયરસ હવે ઈટાલીમાં મોજુદ નથી. પાછલા ૧૦ દિવસની તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તેનાથી જણાય છે કે વાયરસ બે મહિના પહેલાની સરખામણીમાં હવે નબળો પડી ગયો છે.

ઈટાલી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી એક છે અને કોવિડ-૧૯થી થનાર સૌથી વધુ મોતના મામલામાં ઈટાલી ત્રીજા ક્રમે છે. જો કે મે મહિનામાં ત્યાં સંક્રમણના નવા કેસ અને મોતમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે અને ત્યાં અનેક જગ્યાએ કડક લોકડાઉનને ખોલવામાં આવી રહ્યુ છે. ડો. જાંગ્રીલોએ કહ્યુ હતુ કે કેટલાક નિષ્ણાંતો સંક્રમણની બીજી લહેરને લઈને ચિંતિત છે. દેશના નેતાઓએ વાસ્તવિકતાને પણ ધ્યાને રાખવી જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે, અમને એક સામાન્ય દેશ પાછો મળી ગયો છે પરંતુ કોઈને કોઈએ દેશને ડરાવવાની જવાબદારી લેવી પડશે. ઈટાલી સરકારે લોકોને સાવધાની રાખવાનો આગ્રહ કરતા કહ્યુ હતુ કે હજુ કોરોના વાયરસ પર વિજયનો દાવો ઘણો વહેલો ગણાશે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ છે કે લોકોએ ભ્રમિત થવુ ન જોઈએ.

અત્રે નોંધનીય છે કે ઈટાલીમાં કોરોનાએ ૩૩૦૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે, પરંતુ હવે ત્યાં નવા દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ડો. જાંગ્રીલોએ કહ્યુ હતુ કે કલીનીકલી વાયરસ હવે ઈટાલીમાં નથી. તેમની હોસ્પીટલ લોમ્બાર્ડી શહેરમાં છે ત્યાં ૧૬૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. તેમણે ટીવી ચેનલને કહ્યુ હતુ કે ૧૦ દિવસમાં જે સ્વેબ ટેસ્ટ કરાયા તેમા વાયરસનું પ્રમાણ ઘણુ ઓછુ રહ્યુ હતુ. એક બે મહિનાની સરખામણીમાં તે ઘણો નબળો પડી ગયો છે.

જેનોઆના સેન માર્ટીનો હોસ્પીટલના વડા મેસીયો બસેટીનુ પણ કહેવુ છે કે બે મહિના પહેલા વાયરસ જેટલો તાકાતવર હતો તેટલો હવે નથી. જો કે ડબલ્યુએચઓએ આ દાવાને નકારી કાઢયો છે. એવી ધારણા ફેલાવી ન જોઈએ કે વાયરસ અચાનક નબળો પડી ગયો છે. હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે.

(11:17 am IST)