Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દેશમાં લોકડાઉન દરમિયાન વીજળી વપરાશમાં થયો 14 ટકાનો ઘટાડો :એપ્રિલમાં 22.65 ટકાનો ઘટાડો

નવી દિલ્હી : કોરોના વાયરસનો રોગચાળો અને તેને ફેલાતા અટકાવવા માટે જાહેર કરાયેલ લોકડાઉનના કારણે વીજ માંગમાં ઘટાડો થતાં દેશમાં વીજ વપરાશ 14.16 ટકા ઘટીને 103.02 અબજ યુનિટ નોંધાયું છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં વીજ વપરાશ 120.02 અબજ યુનિટ નોંધાયું હતું.

જોકે એપ્રિલની તુલનામાં મે મહિનામાં વીજ વપરાશમાં વધારો થયો છે. એપ્રિલમાં 22.65 ટકાનો ઘટાડો થયો છે. કોરોના વાયરસ રોગચાળો અને દેશવ્યાપી બંધને કારણે એપ્રિલમાં વીજળીની માંગ ઓછી હતી.

મે મહિનાના ડેટા સૂચવે છે કે, સરકાર દ્વારા આર્થિક પ્રવૃત્તિને મંજૂરી આપતા અને પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચતા વીજ વપરાશમાં વધારો થયો છે. વીજ મંત્રાલયના આંકડા મુજબ ગયા મહિને કુલ વીજ વપરાશ 103.02 અબજ યુનિટ નોંધાયું, જે એક વર્ષ અગાઉના મહિનામાં 120.02 અબજ યુનિટની નોંધાયું હતું.

ડેટા મુજબ એપ્રિલમાં વીજળીનો વપરાશ 2019ના સમાન મહિનામાં 110.11 અબજ યુનિટની સરખામણીએ 22.65 ટકા ઘટીને 85.16 અબજ યુનિટ વીજ વપરાશ થયો છે.

કોરોના વાયરસ રોગચાળો ફેલાતો અટકાવવા સરકારે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે એપ્રિલની સાથે સાથે મે મહિનામાં વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશમાં ઘટાડો થયો હતો.

મે મહિનામાં વીજળીની સૌથી વધુ માંગ 26 મેએ 1,66,420 મેગાવોટ નોંધાઈ હતી, જે એક મહિના અગાઉ 1,82,550 મેગાવોટની મહત્તમ માંગ કરતા 8.82 ટકા ઓછી છે. જ્યારે એપ્રિલમાં વીજળીની મહત્તમ માંગ 1,32,770 મેગાવોટ હતી, જે ગયા વર્ષ 2019ના સમાન મહિનામાં 1,76,810 મેગાવોટ કરતા 25 ટકા ઓછી નોંધાઈ છે.

વાણિજ્યિક અને ઔદ્યોગિક માંગમાં ઘટાડો થવાની સાથે સાથે એપ્રિલમાં વાતાવરણ આંશિક ઠંડુ રહેવાના કારણે વિજ માંગ ઓછી રહી. મહિનાના બીજા પખવાડિયામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું.

જો કે 4થી મેથી 31મી મે દરમિયાન ઘણી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ, જેના કારણે ઔદ્યોગિક અને કોમર્શિયલમાં વીજ માંગમાં વધારો થયો. ઉપરાંત પારો વધવાના કારણે વીજળીની માંગમાં પણ વધારો થયો. નિષ્ણાંતોનું માનવું છે કે, પહેલી જૂનથી છૂટછાટ વધતાં આગામી દિવસોમાં વીજળીની માંગમાં વધારો થશે.

(8:33 am IST)