Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દેશભરમાં છેલ્લા ચોવિસ કલાકમાં ૮૩૯૨ કેસ નોંધાયા

દેશમાં કોરોના મહામારીનો કેર વધી રહ્યો છે : ભારતમાં વાયરસના કુલ કેસ વધીને ૧૯૦૫૩૫ સુધી પહોંચ્યા, રિકવરી રેટ સુધરીને ૪૮.૧૯ ટકા થયો

નવી દિલ્હી,તા. : ભારતમાં કોરોના વાયરસની બીમારી વધુને વધુ વકરી રહી છે. તેમાં પણ લોકડાઉનના ગાળામાં તેમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખની નજીક પહોંચી રહ્ઓ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવાર સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૧૯૦૫૩૫ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૯૨ નવા કેસ નોંધાયા છે. જોકે એક સારી બાબત પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે.

          દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૩૫ લોકો સ્વસ્થ્ય થયા છે. સાથે આંકડો વધીને ૯૧૮૧૯ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૩૯૪ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૯૩૩૨૨ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૬૭૬૫૫ કેસ નોંધાયા છે જ્યારે ૨૪૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૨૩૩૩ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૭૩ લોકો કાળનો કોળિયો બની ગયા છે.

           ત્યારબાદ દિલ્હીમાં ૧૯૮૪૪ કેસ નોંધાયા છે જ્યારે ૪૭૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૬૭૯૪ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૦૩૮ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૬૧૬૬૯૦૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૩૭૨૦૨૩ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૬૪૧૨૯૭ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૩૧૫૩૫૮૪ કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં નવમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, જર્મની, રશિયા, ઈટાલી, સ્પેન, તુર્કી, ઈરાન બાદ ૧૦માં ક્રમ પર છે.

(12:00 am IST)