Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

IPL: અરબાઝ ખાને બુકી સાથેના સંબંધ સ્‍વીકાર્યા : રમ્‍યો હતો સટ્ટો

પોલીસ સ્‍ટેશને હાજર થયો અરબાઝ ખાનઃ ૨.૮૦ કરોડનો સટ્ટો લગાવ્‍યોઃ સટ્ટાબાજીને કારણે જ અરબાઝ - મલઇકા વચ્‍ચે થયો'તો ડખ્‍ખો

મુંબઈ તા. ૨ : તાજેતરમાં જ પૂરી થયેલી આઈપીએલની સીઝન દરમિયાન સટ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ પછી થાણે પોલીસે ફિલ્‍મ એક્‍ટર અરબાઝ ખાનને સમન મોકલાવ્‍યું હતું. પોલીસે બાંદ્રા સ્‍થિત અરબાઝના ઘર પર શુક્રવારે સવારે સમન્‍સ મોકલીને પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું હતું. હવે આ મામલે અરબાઝ ખાન પોતાના ભાઈ સલમાન ખાન અને તેના બોડિગાર્ડ શેરા સાથે આજે ૧૧ વાગ્‍યે ક્રાઈમ બ્રાન્‍ચની ઓફિસે પહોંચી ગયો.

હાજર થતા પહેલાં અરબાઝ ખાને પોતાના ભાઈ સલમાન ખાનની મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં સલમાનની લીગલ ટીમ અરબાઝની મદદ કરશે. અંડરવર્લ્‍ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીની પણ સટ્ટાબાજીના રેકેટમાં લિંક હોવાનું જણાઈ રહ્યું છે.

રિપોર્ટ મુજબ અરબાઝ ખાને આઈપીએલ મેચ દરમિયાન ૨.૮૦ કરોડ રૂપિયાનો સટ્ટો લગાવ્‍યો હતો. ૪૧ વર્ષના સોનુ જાલાનની મંગળવારે ધરપકડ કરી લેવામાં આવી હતી, જયારે તે કલ્‍યાણ સેશન્‍સ કોર્ટમાં આવ્‍યો ત્‍યારે તે પોતાના સહયોગીને આશ્વાસન આપવા માટે કોર્ટ પરિસરમાં આવ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે સોનુ જાલાનનું નામ ૨૦૧૨ના આઈપીએલ ફિક્‍સિંગમાં પણ આવ્‍યું હતું.

કુખ્‍યાત સોનુ જાલાન આંતરરાષ્ટ્રીય સ્‍તર પર સટ્ટેબાજીનું રેકેટ ચલાવે છે. પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પ્રદીપ શર્માએ જણાવ્‍યું કે સોનુ જાલાનનું વાર્ષિક ટર્નઓવર ૧૦૦ કરોડ રુપિયાની નજીક હોય શકે છે. આટલું જ નહિ દાઉદ ઈબ્રાહીમની ડી કંપની સાથે પણ સટ્ટેબાજી રેકેટની લિંક જોડાતી જોવા મળે છે. જેમાં તે કુખ્‍યાત સટ્ટેબાજ સોનુ જાલાન સાથે જોવા મળે છે.

પોલીસ અધિકારીએ જણાવ્‍યા મુજબ આજે અરબાઝ ખાન ક્રાઈમ બ્રાન્‍ચની ઓફિસે પહોંચ્‍યો હતો. અહીં પૂછપરછ દરમિયાન તેણે આઈપીએલમાં સટ્ટો રમ્‍યો હોવાનું સ્‍વીકારી લીધું છે. જણાવી દઈએ કે કુખ્‍યાત બુકી સોનુ જાલાનની ડાયરીમાંથી અરબાઝ ખાનનું નામ મળી આવ્‍યું હતું. જે મામલે તપાસ કરતાં અરબાઝની પણ સંડોવણી હોવાનું સામે આવ્‍યું હતું. હાલ આ ડાયરી પોલીસ કબ્‍જામાં છે.(૨૧.૨૬)

 

(4:06 pm IST)