Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રામચરિત માનસ સદગ્રંથઃ પૂ. મોરારીબાપુ

ફરીદાબાદમાં 'માનસ યુગધર્મ' શ્રી રામકથા કાલે વિરામ લેશેઃ ૧૬ મીથી તામિલનાડુમાં રામકથા

રાજકોટ તા. ર :.. 'શ્રીરામચરિત માનસ સદગ્રંથ છે' તેમ પૂ. મોરારીબાપુએ હરિયાણાના ફરીદાબાદ ખાતે આયોજીત શ્રીરામ કથાના આઠમાં દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુનાં વ્યાસાસને હરિયાણાના ફરીદાબાદમાં આયોજીત શ્રીરામકથા કાલે રવિવારે વિરામ લેશે.

તા. ૧૬ થી ર૪ જુન સુધી મદુરાઇ, તામીલનાડુ ખાતે શ્રીરામકથાનું આયોજન કરાયુ છે.

સર્વપ્રકારનું સુખ તે ત્રેતાયુગ છે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ બધા જ પ્રકારનું સુખ આપણને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. જેમ કે, આપણા સ્વભાવને અનુકુળ સુખનો વિચાર આપણે નથી કરતાં. બીજાના પ્રભાવથી મળતા સુખને આપણે સુખ ગણીએ છીએ. મારી દ્રષ્ટીએ ચાર પ્રકારના સુખ છે. આપણને ભૂખ લાગે ત્યારે ભોજન મળે, આપણને ભાવતુ ભોજન મળે, પવિત્ર વાતાવરણમાં ભોજન મળે અને પીરસનાર આદર અને પ્રેમથી એ પીરશે. મારી દ્રષ્ટીએ તે પ્રથમ સુખ છે. અમારે ગુજરાતીમાં એક દુહો છે.

આદર કરે અપાર, ભોજનમાં ભાજી ભલી

આણે મન અહંકાર, એના કડવા દોબર કેસરિયા.

શ્રી કૃષ્ણએ પણ ભોજનના નિમંત્રણનો સ્વીકાર ન કર્યો. કેમ કે, કૃષ્ણ જાણતા હતા કે આદર અને પ્રેમથી એ નિમંત્રણ નહોતું. એટલે વિદુરજીને ત્યાં જઇને સાદુ ભાજીનું પણ ભોજન લીધું. બીજું સુખ આપણી જીવનયાત્રા માં આપણને અનુકુળ એવા સંગી-સાથી મળે તે છે આથી સંગાથી એ પતિ-પત્ની કે મિત્ર-મિત્ર પણ હોઇ શકે.

ત્રીજુ સુખ આપણને મનભાવન સ્થાનમાં નિવાસ મળે. એવી જગ્યા જયાં પીડા ન હોય અને ચોથું સુખ અકારણ-અહેતુક, આપણાં જીવનના આંતરિક વિશ્રામ માટે આપણી આત્મા જેના તરફ ખેંચાય એવા કોઇ બુધ્ધપુરૂષ મળે એવા કોઇ મહાપુરૂષનો સંસર્ગ થાય એ ચોથું સુખ છે. (પ-૧૬)

(11:59 am IST)