Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અનેક રાજ્યોમાં વરસાદનું તાંડવઃ ૧૨ના મોત

પ.બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં હવામાન બદલાયુ : ઠેર-ઠેર ભારે વરસાદઃ આંધી ફુંકાતા ખાનાખરાબીઃ ઉત્તરાખંડમાં વાદળો ફાટયા

નવી દિલ્હી, તા. ૨ :. પ.બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ પડતા ૧૨ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.

અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને આંધી ઉઠી હતી. જેને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોની મુશ્કેલી વધી હતી. પ.બંગાળના અનેક જિલ્લાઓમાં વિજળી પડવાથી તથા વરસાદને કારણે દિવાલ ધસી પડવાથી ૯ લોકોના મોત થયા હતા અને ૧૨ને ઈજા થઈ હતી તો ઉત્તરાખંડમાં ૪ જગ્યાએ વાદળો ફાટવાની ઘટના સામે આવી હતી. દિલ્હીના અલીપુરમાં વિજળીનો થાંભલો પડવાથી એક બાઈકસવારનું મોત થયુ હતુ જ્યારે યુપીમાં બે લોકોના મોત થયા હતા.

પ.બંગાળના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજળી પડવાથી હુબલી જિલ્લામાં ૪ અને વિરભુમ જિલ્લામાં ૧ વ્યકિતનું મોત થયુ હતું. હાવડામાં વિજળી પડતા ૧ વ્યકિતનું મોત થયુ હતું. તો દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ૧ વ્યકિતનું મોત થયુ હતું અનેક લોકોને ઈજા પણ થઈ હતી.

ઉત્તરાખંડમાં ગઈકાલે સાંજે ઉત્તર કાશી, ટિહરી અને અન્ય ૪ જગ્યાએ વાદળો ફાટતા ખાનાખરાબી થઈ હતી. યમુનાઘાટીમાં વિજળી ચાલી ગઈ હતી ત્યાં વાદળો ફાટવાથી ૪ પશુઓના મોત થયા હતા.

ગઈકાલે સાંજે દિલ્હીમાં આંધી ફુંકાઈ હતી. ઠેર ઠેર વિજળી ચાલી ગઈ હતી અને વૃક્ષો તથા થાંભલા પડી ગયા હતા.

(11:30 am IST)