Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

દિલ્હીમાંથી ૩ નાઇજીરીયન યુવકોની લાશ મળતા ચકચાર

નવી દિલ્હી, તા. ર : દિલ્હીના ઉતમનગરના મોહન ગાર્ડનમાં રહેતા ત્રણ વિદેશી નાગરિકો શંકાસ્પદ રીતે મૃત્યુ પામ્યા છે. ત્રણેની ઉંમર ૩૦થી ૩પ વચ્ચે હતી. શુક્રવારે બપોરે ૧ર વાગ્યે મકાન માલિકે પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જોયું કે નાઇજીરીયાના બે નાગરિક એક રૂમમાં અને બીજા રૂમમાં ત્રીજો નાગરિક મરેલો પડયો હતો. ત્રણેના મોઢામાંથી ફીણ નીકળેલા હતાં. ત્રણેની ઓળખ ડેવીડ ક્રિસ્ટ ફર, ડેવીડ અને ડેનગ્રીશ તરીકે થઇ છે. પોલીસે ત્રણ લાશોને પોસ્ટમોર્ટમ માટે દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલી આપી છે. સંબંધિત દુતાવાસને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી મોતનું કારણ જાણી શકાશે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ડેવીડ ક્રિસ્ટોફરે ત્રણ મહીના પહેલા આ મકાન ભાડે રાખ્યું હતું અને પછી ડેનગ્રીશ તેની સાથે રહેવા આવ્યો હતો. આ મકાનના ત્રણે માળ પર નાઇજીરીયન યુવકો જ રહે છે. પોલીસનું કહેવું છે કે ત્રણેની લાશ પર ઇજા કોઇ નિશાન નથી પણ એક લાશ પર ઘણી જગ્યાએ કાળાડાઘ હતા. એક રૂમમાંથી દારૂની ઘણી બધી બોટલો અને માદક પદાર્થના પેકેટ મળ્યા છે આના લીધે એવી શંકા છે કે ત્રણેયએ સાથે મળીને દારૂ અને માદક પદાર્થોનું સેવન કર્યું હશે અને બેહોશ થઇ ગયા હશે. નશાના ઓવરડોઝને કારણે તેમનું મોત થયું હશે.

(11:28 am IST)