Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મિશન ૨૦૧૯ : મોદીને રોકવા આપ - કોંગ્રેસ વચ્ચે પકાવાતી ખીચડી

નવી દિલ્હી તા. ૨ : કર્ણાટક વિધાનસભા અને ત્યાર બાદ પેટચૂંટણીમાં ગઠબંધનને ભાજપ વિરુધ્ધ મળી રહેલી સફળતાએ વિપક્ષોમાં એક નવી આશા જગાવી છે. વિપક્ષમાં ગઠબંધનની આ પહેલ હવે દિલ્હીમાં જોવા મળી રહી છે.

ગત લોકસભાની ચૂંટણીમાં બધી સાત બેઠકો ભાજપના હાથે ગુમાવનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હી અને હરિયાણામાં સંયુકત મોરચાને લઇને કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને બંને પક્ષ વચ્ચે બેઠકોને લઇને વાતચીત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વિરોધી આંદોલનની પૃષ્ઠભૂમિ પર જ આમ આદમી પાર્ટીનું ગઠન થયુ હતુ.

આપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ પાંડેએ ગઠબંધનને લઇને વાતચીત શરૂ થયા હોવાની પુષ્ટી કરી છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું બંને પક્ષના નેતાઓ વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસથી વાતચીત ચાલી રહી છે.

જો કે આપ પક્ષ દિલ્હીમાં લોકસભાની ચાર બેઠક પર લડવા ઇચ્છે છે અને કોંગ્રેસ ત્રણ બેઠક આપવા તૈયાર છે. પરંતુ કોંગ્રેસ તેને બીજા રાજયોમાં લડવાની તક આપવાને લઇને દિલ્હીની સાતમાંથી પાંચ બેઠક પોતે લડવા ઇચ્છે છે.

પંજાબમાં પોતાને મુખ્ય વિપક્ષ માની રહેલા આપના ઉમેદવારને ગુરૂવારે યોજાયેલ પેટા ચૂંટણીમાં માત્ર ૧૯૦૦ મત મળ્યા છે. હરિયાણામાં આપે પોતાના પક્ષને મજબૂત કરવા કવાયત કરી છે જયારે દિલ્હીના નગરનિગમની ચૂંટણીમાં પણ ખાસ સફળતા આપને મળી નહોતી.

દિલ્હીના નગરનિગમમાં ખરાબ પ્રદર્શનને લઇને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ તેનો વિરોધ કરી રહ્યું છે.(૨૧.૭)

(10:09 am IST)