Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

૧૨ જૂને સિંગાપોરમાં જ થશે કિમ સાથે બેઠક : ટ્રમ્પ

બેઠક સફળ રહેશે જેવો દાવો

વોશિંગ્ટન તા. ૨ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે કિમ જોંગ ઉન સાથે ૧૨ જૂનના સિંગાપોરમાં મુલાકાત કરવાની વાતને મોહર લગાવી છે. ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું કે અગાઉ અમેરિકા ઉત્તર કોરિયા સાથે યોજાનાર બેઠકમાંથી પાછળ ખસી ગયું હતું પરંતુ હવે આ બેઠક નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૧૨ જૂનના સિંગાપોરમાં જ યોજાશે.

ઓવલ કચેરી ખાતે ઉત્તર કોરિયાના એક ઉચ્ચ અધિકારી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની લોનમાં પત્રકારોને જણાવ્યું કે આ બેઠક ઘણી સફળ નિવડશે તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્યોંગયાંગ સામે દુશ્મનાવટનો આક્ષેપ કર્યો હતો અને ગત ગુરુવારે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની સિંગાપોર સમિટને રદ્દ કરી હતી. જો કે ૨૪ કલાકમાં જ ટ્રમ્પે નિર્ણય બદલ્યો હતો અને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે સાર્થક વાતચીત બાદ તેઓ સમિટ અંગે નિર્ણય લેશે અને સમિટ નિશ્ચિત સમયે યોજાઈ શકે છે. હવે ટ્રમ્પે ૧૨ જૂને સમિટ યોજવાની ખાતરી આપી છે. બન્ને દેશોના વડા માટે આ બેઠક ઐતિહાસિક પુરવાર થશે.

(10:08 am IST)