Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ચિદમ્બરમની વધશે મુશ્કેલી : CBIનું પૂછપરછ માટે તેડું

૬ઠ્ઠીએ હાજર થવું પડશે

નવી દિલ્હી તા. ૨ : સીબીઆઈએ આઈએનએકસ મીડિયામાં વિદેશી રોકાણની મંજૂરીમાં કથિક અનિયમિતતા મુદ્દે પૂછપરછ માટે પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને ૬ જૂને હાજર થવા માટે કહ્યું છે. આઈએનએકસ મીડિયાની શરૂઆત પૂર્વ મીડિયા દિગ્ગજ પીટર મુખર્જી અને તેની પત્ની ઈન્દ્રાણી મુખર્જીએ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ચિદમ્બરમને ગુરૂવારે આ મામલે પૂછપરછ માટે બોલાવાયા હતા પરંતુ તેમણે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટીગેશન (CBI)ની નોટિસના પાલન માટે અન્ય તારીખની માગણી કરી હતી.

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચિદમ્બરમને આ મામલે ૩ જુલાઈ સુધી ધરપકડમાંથી વચગાળાની સુરક્ષા પ્રદાન કરી હતી. આઈએનએકસ મીડિયાને ૩૦૫ કરોડ રૂપિયા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (FIPB)ની મંજૂરી મુદ્દે ચિદમ્બરમની કથિત ભૂમિકા તપાસ એજન્સીઓની શંકા હેઠળ આવી છે.

આઈએનએકસ મીડિયા ૨૦૦૭માં વિદેશમાંથી મળેલા ૩૦૫ કરોડ રૂપિયામાં કથિત અનિયમિતતા અને FIBP પાસેથી મંજૂરી મામલે સીબીઆઈએ પાછલા વર્ષે ૫મીએ એફઆઈઆર દાખલ કરાવી હતી. ૨૦૦૭માં ચિદમ્બરમ કેન્દ્રિય નાણાં મંત્રી હતા.

પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમની આ મામલે કથિત રીતે ૧૦ લાખ રૂપિયા લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં અન્ય આરોપીઓમાં આઈએનએકસ મીડિયાની ડિરેકટર ઈન્દ્રાણી મુખર્જી અને આઈએનએકસના તે સમયના ન્યૂઝ ડિરેકટર પીટર મુખર્જી પણ શામેલ છે.(૨૧.૫)

(10:07 am IST)