Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વૃદ્ધાની શ્વાસનળીમાં ચોકલેટ ચોટી જતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગઃ તબીબ દંપતિઅે વૃદ્ધાને મોતના મુખમાં જતા બચાવ્યા

નવી દિલ્હીઃ એક ચોકલેટના કારણે દિલ્હીથી લંડન જઈ રહેલી ફ્લાઈટને બુડાપેસ્ટમાં લેંડ કરવી પડી. ફ્લાઈટમાં 78 વર્ષીય મહિલાની હાલત અચાનક ખરાબ થઈ, વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. અને મહિલા બેભાન થઈ ગઈ. વૃદ્ધાને શ્વાસનળીમાં ચોકલેટ ચોંટી ગઈ જેના કારણે તેમની તબિયત લથડી. જો ફ્લાઈટમાં ડૉક્ટર કપલ ન હોત તો મહિલાનું મૃત્યુ થયું હોત.

બેભાન થયેલી મહિલાને બચાવવા માટે તરત જ દંપતી કામે લાગી ગયું. ડૉક્ટર દંપતીના પ્રયાસથી મહિલા ભાનમાં આવી ગઈ અને પ્લેનમાં ટેન્શનનું વાતાવરણ ખુશીમાં ફેરવાઈ ગયું. આ દરમિયાન પાઈલટે બુડાપેસ્ટમાં ઈમરજંસી લેન્ડિંગ કર્યું અને મહિલાની સારવાર માટે વ્યવસ્થા કરી દેવાઈ. બુડાપોસ્ટ એરપોર્ટના AMS (એરપોર્ટ મેડિકલ સર્વિસ) પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને જાણકારી આપી કે મહિલાની શ્વાસનળીમાંથી કેંડી કાઢી લેવાઈ છે અને હવે તે સરળતાથી શ્વાસ લઈ શકે છે.

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં કામ કરતાં ડોક્ટર કપલ- ડોક્ટર અનુપલ ગોયલ અને ડોક્ટર મિશાએ જણાવ્યું કે, “આ ઘટના મંગળવારની છે. અમે એક કોન્ફરંસ માટે લંડન જઈ રહ્યા હતા અને અડધા રસ્તામાં અનાઉન્સમેન્ટ થઈ કે એક વૃદ્ધાની મોત થઈ શકે છે અને તેમને બચાવવા માટે ડોક્ટરની જરૂર છે. ત્યારે અમે તરત જ મદદ માટે પહોંચ્યા હતા.

ડૉક્ટર કપલે કહ્યું કે, “શરૂઆતમાં અમને નહોતું સમજાઈ રહ્યું કે મહિલાને શ્વાસ લેવામાં કેમ તકલીફ થઈ રહી છે. 78 વર્ષીય પ્રીતપાલ બેભાન હતી અને મોંમાથી ફીણ નીકળી રહ્યું હતું. તેમનું બીપી માપી શકાય તેમ નહોતું. તેમની ડાબા આંખની કીકી ખેંચાઈ ગઈ હતી. જે તેમને ન્યૂરો પ્રોબ્લેમ થયો હોવાના સંકેત આપતા હતા. પ્રીતપાલને નોર્મલ સલાઈન પર રાખવામાં આવ્યા અને AMBU બેગ માસ્ક વેન્ટિલેશન અને ઓક્સિજન આપ્યો.

આશરે 40 મિનિટની મહેનત બાદ વૃદ્ધાને નવજીવન આપવામાં સફળ થયા. આ સમય દરમિયાન બાકીના પેસેન્જર્સ ડોક્ટર કપલ પાસે ચમત્કારની આશા રાખતા હતા. કપલે જણાવ્યું કે, ઈમરજંસી લેન્ડિંગ પહેલા જ તેમણે વૃદ્ધાને મોતના મુખમાંથી બહાર કાઢ્યા. વૃદ્ધા સાજા થતાં પેસેન્જર્સે ખુશી મનાવી તો કેબિન ક્રૂએ કપલને ભેટરૂપે શેમ્પેનની બોટલ આપી. જો કે ડોક્ટર દંપતીનું કહેવું છે કે, “અમે કશું અલગ કે નવું નથી કર્યું પરંતુ ડોક્ટર હોવાની ફરજ નિભાવી છે.”

(12:00 am IST)