Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ફેસબુક ડેટા લીક પ્રકરણના લીધે બહુચર્ચિત બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલીટીકાએ પોતાની તમામ ઓફિસો અને કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની ઘોષણા કરી : બ્રિટન અને અમેરિકા સ્થિત કંપનીની નાદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી

ન્યુયોર્ક : ફેસબુક ડેટા લીક પ્રકરણથી ઘેરાયેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલીટીકાએ પોતાના તમામ કામકાજ, બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની નાટકીય ઘોષણા કરી છે. કંપનીએ બ્રિટન અને અમેરિકામાં નાદારી નોંધાવાની પ્રક્રિયા પણ શરુ કરી હોવાનું જાણવા મળે છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ' છેલ્લે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ ધંધામાં ટકી રેહવાની હવે કોઈ સંભાવનાઓ રહી નથી.' કેમ્બ્રિજ એનાલીટીકા પર ફેસબુકના કરોડો વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

લંડન સ્થિત આ એનાલિટિક્સ કંપનીની પૈતૃક કંપની SCL ગ્રુપના સંસ્થાપક નાઇજેલ ઓક્સએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે કંપની પોતાનો તમામ બિઝનેસ તાત્કાલિક અસરથી બંધ કરી રહી છે, અને પોતાના તમામ કર્મચારીયોને પણ ન્યુયોર્ક ખાતે એક મીટીંગ બોલાવીને આ બાબતે જાણ કરી છે.

આ સમયે આપને જણાવી દઇએ કે ફેસબુક ડેટા લીક પ્રકરણમાં કાનૂની તપાસને લઈને કેમ્બ્રિજ એનાલીટીકા કંપની પર કાનૂની લડાઈ લડવાની ફીનો જબરજસ્ત ફટકો પડ્યો હતો અને બીજીબાજુ કંપની સતત પોતાના ગ્રાહકો ગુમાવી રહી હતી. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ આ મામલાથી સંબંધિત એક વ્યક્તિના હવાલાથી આ બધી જાણકારી આપી છે. આ તબ્બકે કંપનીએ પોતાના કર્મચારીઓને કોમ્પ્યુટર સિસ્ટમ પણ પરત કરી દેવા માટે જણાવ્યું છે.

ગત માર્ચ મહિનામાં કેમ્બ્રિજ એનાલીટીકાના પૂર્વ સીઇઓ એલેક્ઝેન્ડર નિક્સ ને તગેડી મૂકવામાં આવ્યા હતા. નિકસે ઓન રેકોર્ડ, બીજા ઘણા દેશોની આંતરિક ચૂંટણીઓને, કંપનીએ તફડાવેલા ફેસબુક ડેટા થકી પ્રભાવિત કર્યા નો સ્વીકાર કર્યો હતો. નિકસ નાં આ નિવેદન બાદ, લગભગ બે મહિના પછી, બુધવારે  કેમ્બ્રિજ એનાલીટીકાએ કામકાજ બંધ કરી દેવાનું એલાન કર્યું છે.

કેમ્બ્રિજ એનાલીટીકાએ ગેરકાનૂની રીતે કરોડો ફેસબુક વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ નો ડેટા તફડાવી લીધો હતો. વ્હીસલબ્લોઅર ક્રિસ્ટોફર વિલીએ આ મામલે સૌથી પહેલા ખુલાસો કર્યો હતો. ફેસબુકે એપ્રિલમાં આ મામલાનો સ્વીકાર કર્યો હતો, કે ફેસબુકના 87 મિલિયન વપરાશકર્તાઓનો ડેટા કેમ્બ્રિજ એનાલીટીકાએ તફડાવી લીધો હતો.

કેમ્બ્રિજ એનાલીટીકાએ 2016ની અમેરિકી રાષ્ટ્રપતિ ની ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કર્યું હતું. હાલમાં જ કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે 2014માં કેમ્બ્રિજ એનાલીટીકાએ ભારતની આંતરિક ચુંટણીને પ્રભાવિત કરી હતી.

(3:57 am IST)