Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જમીન સંપાદન કાનૂનનો પૂર્ણ અમલ કરવા મોદીને અનુરોધ

જમીનના સંપાદનમાં વાજબી વળતર, પારદર્શિતા, પુનઃ સ્થાપન ધારાના ઘણા નિયમ પાળવામાં આવી રહ્યા નથી : અહેમદ પટેલે ખેડૂત હિતમાં મોદીને પત્ર લખ્યો

અમદાવાદ,તા.૨ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મામલામાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા સમુદાયના લોકો અને સંબંધિતો આને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને જમીન સંપાદનમાં વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે વડાપ્રધાનને પત્ર લખીને ઘણી બાબતો તરફ તેમનું ધ્યાન દોર્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ  માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પરત્વે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે જમીન સંપાદન કાનૂન-૨૦૧૩નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાને ખેડુત હિતમાં પત્ર લખી ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, એનએચઆરસી એ જિલ્લાના અધિકારીઓ સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક ખેડુતો પાસેથી ખેતીની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે અને ખેડુતોના પ્રતિનિધિઓની એવી માંગ છે કે આ અંગે જમીન સંપાદનમાં વ્યાજબી વળતર, પારદર્શિતા, પુનઃ સ્થાપના અને પુનઃવસવાટ ધારા, ૨૦૧૩ના નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જમીન સંપાદન-૨૦૧૩ ધારા અન્વયે ફરજીયાત એવી, પુરતી નોટીસ અને પૂરતા પ્રમાણમાં જાહેરાત દ્વારા જાહેર વિચારવિમર્શની પ્રક્રિયા થવી જોઈએ. જ્યારે ખેડુતોના જુથો દ્વારા એવો વાંધો લેવામાં આવ્યો છે કે આવી મીટીંગ માંડ એક દિવસની નોટીસથી અને યોગ્ય જાહેરાત વગર યોજવામાં આવે છે. આમ થવાથી, આ પ્રોજેક્ટની અસરો અને આ કાયદા હેઠળ તેમને મળતાં અધિકારી વિષે તેમને જાણકારી આપવાનો મૂળ હેતુ જ માર્યો જાય છે. બીજુ કે, એ અત્યંત કમનસીબે બાબત છે કે, ગુજરાત સરકાર આ સમગ્ર પ્રક્રિયા સંસદે પસાર કરેલા કાયદાથી વિપીરત એવા હળવા બનાવાયેલા ૨૦૧૩ના જમીન કાયદા હેઠળ કરી રહી છે. ગુજરાત સરકારના નિયમ હેઠળ, ખેડુતોની સંમતિ અને સામાજિક અસર મૂલ્યાંકનને રદ કરી દેવામાં આવ્યા છે. ૨૦૧૩ના કાયદા હેઠળ, ખેડુતોના તેમની જમીન ઉપરના અધિકારનું હાર્દ જ તેમની સંમતિ અને અસર મૂલ્યાંકન અહેવાલના બે પાયા ઉપર રહેલુ છે. જમીન સંપાદનની આ સમગ્ર પ્રક્રિયા માત્ર પ્રતીકાત્મક બની રહેશે.

(9:25 pm IST)