Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સપા-બસપા ગઠબંધન સામે યોગી બ્રહ્માસ્ત્ર લાવવા તૈયાર

૮૨ ઓબીસી જાતિઓને ત્રણ સેગ્મેન્ટમાં મુકાશે : તમામ જાતિઓને મંડળ આયોગની ભલામણ મુજબ નક્કી ૨૭ ટકા અનામતમાં તેમનો હિસ્સો મળી શકશે : રિપોર્ટ

બલિયા, તા. ૨ : વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની અંદર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને પછડાટ આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકાર હવે પોતાના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે કહ્યું છે કે, ૮૨ ઓબીસી જાતિઓને ત્રણ સેગ્મેન્ટમાં વિભાજિત કરવામાં આવશે જેથી તમામ જાતિઓને મંડળ આયોગ મુજબ નક્કી કરવામાં આવેલા ૨૭ ટકા અનામતમાં તેમનો હિસ્સો મળી શકશે. સોહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ રાજભરે કહ્યું છે કે, સરકારના આ પગલાથી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનનો અંત આવી જશે. બલિયાના રસડામાં તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ની ચૂંટણીથી છ મહિના પહેલા રાજ્યમાં ઓબીસી ૮૨ જાતિઓને ત્રણ સેગ્મેન્ટમાં વિભાજિત કરીનેબ્રહ્માસ્ત્ર ચલાવવામાં આવશે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, રાજભરે પોતાના નિવેદનથી સમાજવાદી પાર્ટી અને બસપાને પરાજીત કરવાની ભાજપની રણનીતિનો ખુલાસો કરી દીધો છે. ભાજપના પ્રયાસ છે કે, આ પગલાથી પછાત જાતિ, દલિત અને મુસ્લિમો વચ્ચેના ગઠબંધનનો અંત લાવવામાં આવશે. ઓબીસીના ૨૭ ટકા ક્વોટાને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવશે. જેમ કે પ્રથમમાં પછાત (ચાર જાતિ), બીજામાં અતિ પછાત (૧૯ જાતિ) અને ત્રીજામાં સર્વાધિક પછાત (૫૯ જાતિ)ઓ રહેશે. સરકાર પોતાની આ યોજનાને લાગૂ કરશે તો ઓબીસી ક્વોટાની અંદર યાવદનું વર્ચસ્વ ખતમ થઇ જશે અને સમાજવાદી પાર્ટીને નુકસાન થશે. યાદવ ઓબીસી ક્વોટાના સૌથી વધારે લાભ મેળવનાર લોકો છે. આનાથી કેટલીક પછાત જાતિઓ યાદવથી નારાજ પણ છે. આજ નારાજગીના લીધે વર્ષ ૨૦૧૪ની ૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. કારમી હારથી પરેશાન સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવી લીધા છે. બિનયાદવ ઓબીસીને પણ તેમની સાથે લાવવામાં આવી શકે છે. આ બિનયાદવ ઓબીસી વોટના કારણએ ભાજપને બહુમતિ મળી હતી. ફુલપુર અને ગોરખપુરમાં રાજકીય પ્રયોગ સફળ રહ્યો હતો જ્યાં બહુજન સમાજ પાર્ટીએ સપાની મદદ કરી હતી. રાજભરના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને સરકાર ત્રણ બ્લોકમાં ૮૨ ઓબીસીને વિભાજિત કરવાની યોજના ધરાવે છે. સપા અને બસપાને તોડી પાડવા આ રણનીતિ અપનાવવામાં આવશે.

(9:24 pm IST)