Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મનોચિકિત્સકની સલાહનો અર્થ માનસિક અસ્થિર નથી

દિલ્હી હાઈકોર્ટે અતિમહત્વપૂર્ણ ચુકાદો આપ્યો : આધુનિક સમયમાં જીવનમાં ટેન્શનના અનેક કારણો છે

નવીદિલ્હી, તા. ૨ : દિલ્હી હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેના ભાગરુપે કોર્ટે કહ્યું હતું કે, મનોચિકિત્સક અથવા તો સાયકોલોજિસ્ટની સલાહ લેવાનો મતલબ કોઇ વ્યક્તિ માનસિકરીતે અસ્વસ્થ છે તેમ નથી. આજના ટેન્શનવાળી લાઇફમાં મનોચિકિત્સકને મળવાની બાબત સામાન્ય બની છે. જસ્ટિસ વિપીન સાંઘી અને પીએસ તેજીની બનેલી બેંચે એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ કર્યો હતો. અરજીમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. માત્ર મનોચિકિત્સકની સલાહ લેવાના આધારે તેની એક વર્ષની પુત્રીને તેનાથી અલગ રાખવાનો ચુકાદો આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. આ મહિલાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કોર્ટ તેના પતિને એવા આદેશ જારી કરે કે તે બાળકીને સુનાવણી દરમિયાન રજૂ કરે. બાળકીને તેના સાસરિયા પક્ષના લોકો બળજબરીપૂર્વક રાખી રહ્યા છે. કોર્ટે મહત્વનો આદેશ કરતા માતાને બાળકીની વચગાળાની કસ્ટડી આપીને પતિની એવી દલીલને ફગાવી દીધી હતી કે, બાળકીની માતા કુદરતીરીતે તેની સાથે જોડાયેલી નથી અને તે સરોગેસીથી જન્મેલી પુત્રી છે. કોર્ટે કહ્યું હતું કે, માત્ર આ આધાર પર માતાનો પ્રેમ બાળકી પ્રત્યે ઓછો રહે તેમ માની લેવા માટે કારણ નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી બાળકીનો પ્રશ્ન છે તે એક વર્ષની છે. ભલે તેનો જન્મ સરોગેસી માતાથી થયો છે. અરજી કરનારને બે વખત ગર્ભપાતની તકલીફ ઉભી થઇ હતી તે આ બાળકીની જૈવિક માતા નથી. કોર્ટે ખુબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. મહિલાના માનસિક આરોગ્ય પર કોર્ટે કહ્યું હતું કે, ટેન્શનના અનેક કારણ હોઈ શકે છે. આજ કારણસર મહિલા હાલ સારવાર હેઠળ છે. માત્ર સારવાર કરાવવાનો મતલબ એ નથી કે તે માનસિકરીતે સંતુલિત દિમાગ ધરાવતી નથી.

(8:42 pm IST)