Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નાઇજિરિયામાં બ્‍લાસ્‍ટઃ ૬૦થી વધુના મોત

ઉત્તર-પૂર્વ વિસ્‍તારમાં એક મસ્‍જિદ અને બજારમાં થયેલા બે આત્‍મઘાતી બોમ્‍બ બ્‍લાસ્‍ટ

યોલા (નાઇજિરિયા) તા. ૨ : નાઇજિરિયાના ઉત્તર-પૂર્વ વિસ્‍તારમાં એક મસ્‍જિદ અને બજારમાં થયેલા બે આત્‍મઘાતી બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં ૬૦થી વધુ લોકોના મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ પૈકી ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્‍યુઆંક વધવાની દહેશત છે.

પોલીસે ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલોમાં દાખલ કર્યા છે. આ બંને આત્‍મઘાતી હુમલામાં આતંકી સંગઠન બોકો હરામનો હાથ હોવાની આશંકા છે. આ હુમલો એવા સમયે થયો છે જયારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઇસ્‍લામી આતંકવાદીઓ વિરુદ્ધ સંઘર્ષમાં વધુ સહકાર આપવાની ખાતરી આપી હતી.

આ બે બોમ્‍બ બ્‍લાસ્‍ટ નાઇજિરિયાના એડમાવા પ્રાંતની રાજધાની યોલાથી લગભગ ર૦૦ કિ.મી. દૂર આવેલ મુબીમાં બપોરે ૧-૦૦ વાગ્‍યા બાદ થયા હતા. આ હુમલાને અંજામ આપવામાં યુવાનોની મોટી ભૂમિકા હોવાનો શક છે. નેશનલ ઇમર્જન્‍સી મેનેજમેન્‍ટ એજન્‍સીના ઇમામ ગાર્કીએ જણાવ્‍યું હતું કે પોલીસ અને રેડક્રોસના અંદાજ મુજબ એક બ્‍લાસ્‍ટમાં ર૬ લોકો માર્યા ગયા હતા અને પ૬ ઘાયલ થયા હતા.

ઘાયલમાંથી ૧૧ની હાલત ગંભીર છે. જયારે મુબી જનરલ હોસ્‍પિટલના મેડિકલ સૂત્રોનાં જણાવ્‍યા મુજબ હોસ્‍પિટલમાં ૩૭ લાશ લાવવામાં આવી હતી, પરંતુ બચાવ અને રાહત કામગીરી કરી રહેલા એક કાર્યકરનું કહેવું છે કે તેણે ૪ર લાશ અને ૬૮ ઘાયલની ગણતરી કરી હતી. એક સ્‍થાનિક નિવાસી મહંમદ હામિદુના જણાવ્‍યા પ્રમાણે મેં કબ્રસ્‍તાન છોડતાં પહેલાં ૬૮ લોકોના અંતિમ સંસ્‍કારમાં ભાગ લીધો હતો.

નાઇજિરિયાના ઉત્તર-પૂર્વીય વિસ્‍તારમાં મસ્‍જિદમાં થયેલા આત્‍મઘાતી બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં ઓછામાં ઓછા ર૪ નવાઝી માર્યા ગયા હતા. પ્રથમ બ્‍લાસ્‍ટના ડરથી ફફડીને નાસી રહેલા આ નમાજીઓ બીજા બ્‍લાસ્‍ટની ચપેટમાં આવી ગયા હતા. મોબી શહેરમાં આ હુમલો એવા સમયે થયો છે જયારે એક દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિ મહંમદ બુહારી વ્‍હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને મળ્‍યા હતા અને બોકો હરામના આતંકી સંગઠન તરફથી ખતરા અંગે ચર્ચા કરી હતી.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેમને બોકો હરામ સામેના જંગમાં સહાય કરવાની ખાતરી આપી હતી. આથી આ બોમ્‍બ બ્‍લાસ્‍ટ પાછળ બોકો હરામનો હાથ હોવાનું માની લીધું છે.

(8:47 pm IST)