Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

શેરબજારમાં રેન્જ આધારિત કારોબાર : ફ્લેટ સ્થિતી રહી

સેંસેક્સ ૩૫૧૭૬ની ઉંચી સપાટી પર રહ્યો : નિફ્ટી ફ્લેટ રહીને હવે ૧૦૭૩૮ની સપાટી પર : દિવસ દરમિયાન આવી જ પરિસ્થિતી રહે તેવી પ્રબળ સંભાવના

મુંબઇ,તા. ૨ : શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થયા બાદ રેંજ આધારિત કારોબાર રહ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૫ પોઇન્ટ સુધરીને ૩૫૧૭૬ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્લેટ રહીને ૧૦૭૩૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન ઉદાસીન સ્થિતી રહી શકે છે. રોકાણકારોની નજર હવે યુએસ ફેડરલ રિઝર્વ બેઠકના પરિણામ પર કેન્દ્રિત થઇ ગઇ છે. ગઇકાલે મહારાષ્ટ્ર ડેના કારણે  સ્ટોક, કોમોડીટી અને ફોરેક્સ માર્કેટમાં રજા રહી હતી.સોમવારે તેજીનું મોજુ રહ્યું હતું. સોમવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૧ પોઇન્ટ સુધરીને ૩૫૧૬૦ની સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૯ની સપાટી ઉપર રહ્યો હતો. આ  સપ્તાહ દરમિયાન અનેક મોટી કંપનીઓ તેમના પરિણામ જાહેર કરશે. અદાણી પોર્ટ, અદાણી પાવર, ઇમામી, એચસીસી, એલએન્ડટી ફાઈનાન્સ, એમઆરએફ, પીએન્ડજી હાઉસિંગ, વેદાંતા દ્વારા ત્રીજી મેના દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. અંબુજા સિમેન્ટ, ગોદરેજ, ઇન્ડિયન બેંક, પીવીઆર દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક ચાલી રહી છે.  જેમાં ચાવીરૂપ વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે. ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચ મહિનામાં તેની છેલ્લી બેઠકમાં વેટમાં વધારો કરવામાં આવ્યો હતો. એવી ચર્ચા છે કે, આ વખતે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો.  બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે.આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.શેરબજારમાં હાલમાં જોરદાર ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. 

(1:08 pm IST)