Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઓનલાઇન મીડીયાની પાંખો કાપવાની તૈયારી સામે દિગ્ગજોમાં ભભૂકતો રોષઃ લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય અને પારદર્શીતા કાયમ રહેવી જોઇએ

ઓનલાઇન મીડીયા સંબંધી દરખાસ્ત સામે સેંકડો પત્રકારોએ સ્મૃતિ ઇરાનીને પત્ર લખ્યો

નવી દિલ્હી, તા., રઃ ઓનલાઇન મીડીયા ઉપર કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો અને પ્રતિબંધો લગાવાઇ રહયાની હલચલથી ચિંતીત ૧૦૦ થી વધુ પત્રકારો અને અન્ય પ્રોફેશ્નલ્સ લોકોએ ગઇકાલે સ્મૃતિ ઇરાનીને પત્ર લખ્યો છે. જેમાં ઓનલાઇન મીડીયા સાથે જોડાયેલા દિગ્ગજ પત્રકારો પણ સામેલ છે. રાઘવ બહલ, સંજય પુગલીયા, એન.કે.વેણુ, મધુ ત્રેહન, નલીની સિંહ, પ્રંન્જોય ગુહા ઠાકુરતા, શિવમ વીજ, અનિરૂધ્ધ બહલ અને રમણ કૃપાલ ઉપરાંત ન્યુ મીડીયાના કેટલાક પરીશ્રમીઓ જેવા કે ધન્ય રાજેન્દ્રન (ધ ન્યુઝ મીનીટ), સીમા મુસ્તફા (ધ સીટીઝન), રીતુ કપુર (ધ કવીન્ટ), તન્મય ભટ્ટ (એઆઇબી) અને ભરત નાયક (ધ લોજીકલ ઇન્ડીયન) નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છેકે, સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ન્યુઝ પોર્ટલ અને ઓનલાઇન મીડીયા ઉપર નિયમ બનાવવા માટે ગયા મહિને એક સમીતીની રચના કરવાનો આદેશ અપાયો હતો. આ આદેશમાં કહેવાયંુ હતું કે,  ખાનગી ટેલીવીઝન ચેનલ ઉપર સામગ્રીનું નિયમન પ્રોગ્રામ અને એડવર્ટાઇઝમેન્ટ કોડસ દ્વારા થતું હતું. જયારે પ્રીન્ટ મીડીયાના નિયમન માટે પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના પોતાના નિયમો છે. પરતુ ઓનલાઇન મીડીયા વેબસાઇટ અને સમાચાર પોર્ટલના નિયમન માટે કોઇ નિયન નથી. આ આદેશનો વિરોધ કરતા ઓનલાઇન મીડીયા સાથે જોડાયેલા પત્રકારોએ કહયું કે, એ માનવું બીલકુલ ખોટુ છે કે, ઇન્ટરનેટની સામગ્રી માટે કોઇ દિશા નિર્દેશ નથી. આઇટી કાયદાનો ઉંડો અભ્યાસ કરતો તો જાણવા મળશે કે તમામ સામગ્રી તેના દાયરામાં આવે છે.

'ધ વાયર'ના ફાઉન્ડીંગ એડીટર એમ.કે.વેણુનં કહેવું છેકે, 'ઇન્ટરનેટ પર આધારીત મીડીયા અને ફેસબુક, ગુગલ જેવા ગ્લોબલ મીડીયા એગ્રીગેટર્સએ કન્ટેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશનને બદલી નાખ્યું છે, જેને સરકાર આશાનીથી કંટ્રોલ નથી કરી શકતી અને ન તો તેમણે આવી કોશીષ કરવી જોઇએ. આ એક આઝાદ લોકતાંત્રીક જગ્યા છે અને તેને સ્વતંત્ર રહેવા દેવું જોઇએ.

નેટવર્ક-૧૮ અને કવીન્ટીલીયન મીડીયાના ફાઉન્ડર રાઘવ બહલે કહયું કે, સરકારે રેગ્યુલેશન માટે ઉતાવળ ન કરવી જોઇએ. નવેસરથી તેમણે વિચારવું જોઇએ. ગ્લોબલ સ્તર ઉપર ઓનલાઇન કન્ટેન્ટ રેગ્યુલેશનનો અભ્યાસ કરવો જોઇએ. ઘણા લોકશાહી રાષ્ટ્રોમાં આ માટે પહેલા ચર્ચા અને સારૂ ફ્રેમવર્ક કરવામાં આવ્યું છે. જેને લઇને વાણી સ્વાતંત્ર્ય  અને પારદર્શીતા બની રહે.

(1:06 pm IST)