Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ખેડૂતોનું કલ્યાણ અમારી સરકારનું ચરિત્રઃ નરેન્દ્રભાઈ

''નમો એપ'' દ્વારા મોદીનું કર્ણાટક ભાજપ કિશાન મોરચાને સંબોધનઃ આજથી દેશભરમાં ખેડૂત કલ્યાણ કાર્યશાળા શરૂ કરાઈઃ આ અભિયાનથી નીચેના સ્તર સુધી લોકોને મોદી સરકારની જનકલ્યાણ યોજનાઓ પહોંચાડાશે

નવીદિલ્હી, તા.૨: ખેડૂતો સુધી પહોંચી આવનારી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે નરેન્દ્રભાઈએ કર્ણાટકમાં ૧૨મીએ યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને કર્ણાટક ભાજપના કિશાન મોરચાને ''નમો એપ'' દ્વારા સંબોધન કર્યુ હતુ. આ ઉપરાંત કેન્દ્રસરકારે દેશભરમાં આજથી કિશાન કલ્યાણ કાર્યશાળાની પણ શરૂઆત કરી છે.

નરેન્દ્રભાઈએ પોતાના સંબોધનમાં જણાવેલ કે ખેડૂતોનું  કલ્યાણ અમારી સરકારનું ચરિત્ર છે. અમારી સરકાર બી થી બજાર સુધીના પાક ચક્રના દરેક ચરણ દરમિયાન ખેડૂતોને સશકત બનાવવાના પ્રયાસો કરે છે. અમારી સરકાર ખેડૂતો  પ્રત્યે સંવેદનશીલ છે. અગાઉની સરકારોએ ખેડૂતોને નજર અંદાજ કર્યા હતા.

તેમણે વધુમાં જણાવેલ કે કર્ણાટક સરકારની ઉદાસીનતાના કારણે રાજયના ખેડૂતોને ''વડાપ્રધાન પાક વીમા યોજના'' નો લાભ નથી મળ્યો. કર્ણાટકને એવી સરકારની જરૂરીયાત છે જે ખેડૂતો પ્રતિ સંવેદનશીલ હોય અને કૃષી તથા ખેડૂત કલ્યાણના ઉદ્દેશ્યોને  અનુરૂપ હોય, સિધ્ધારમૈયા સરકારના કારણે કર્ણાટકના ખેડૂતોને ફાયદો નથી થતો.

કર્ણાટકમાં ૧ કરોડ ખેડૂતોને મુદ્રા સ્વાસ્થ્ય યોજના કાર્ડ આપવામાં આવ્યા હોવાનું જણાવી રાજયમાં ૨૪ હજાર હેકટર જમીન પહેલેથી જ લધુ સિંચાઈ હેઠળ લાવવામાં આવી હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આજથી શરૂ થયેલ ખેડૂત કલ્યાણ કાર્યશાળામાં પોતાના ક્ષેત્રમાં યોજાતી કાર્યશાળામાં હાજર રહેવા દરેક સાંસદોને કૃષી મંત્રી રાધા મોહનસિંહે પત્ર લખી જણાવ્યું છે. આ યોજનાને દેશના અનુસુચિત વર્ગના લોકો, આદીવાસીઓ, યુવાઓ તથા ખેડૂતો સુધી મોદી સરકારની જનકલ્યાણ યોજનાઓ પહોંચાડવાતી પહેલના રૂપમાં જોવાઈ રહી છે. ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આ કાર્યશાળાઓ થઈ રહી છે.(૩૦.૫)

 

(11:49 am IST)