Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મુખ્ય ન્યાયાધીશ મનમાની રીતે કામ ન કરી શકેઃ પૂર્વ CJI આર.એમ.લોઢા

નવી દિલ્હી તા. ૨ : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ પર હવે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર એમ લોઢાએ પોતાનું મંતવ્ય વ્યકત કર્યું છે. લોઢાએ કહ્યું હતું કે, આ સમય ન્યાયપાલિકા માટે એક પડકાર છે. ન્યાયપાલિકાની વ્યવસ્થા ડગમગી રહી છે. તેને યોગ્ય ન કરવામાં આવી તો પરિસ્થિતિ ગંભીર બનશે.

લોઢાએ ઉમેર્યું હતું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (મુખ્ય ન્યાયાધીશ) માસ્ટર ઓફ રોસ્ટર છે, પરંતુ તે મનમાની રીતે કામ ન કરી શકે. હવે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સ્ટેસ્ટમેનશિપ દેખાડી તમામ જજોને સાથે લઈને સમાધાન કાઢવું જોઈએ.

જસ્ટિસ લોઢાએ સુપ્રીમ કોર્ટમાં રહેલી વર્તમાન સ્થિતિને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ ભલે કેસની ફાળવણી કરવાના મામલે સર્વેસર્વા હોય, પરંતુ તે કામ નિષ્પક્ષ રીતે અને સંસ્થાના હિતમાં થવું જોઈએ. ન્યાયપાલિકાની સ્વતંત્રતા સાથે સમજૂતિ ન કરી શકાય. મુખ્ય ન્યાયાધિસે નેતૃત્વ કૌશલ્યનો પરિચય આપી અને પોતાના સહકર્મિઓને સાથે લઈને સંસ્થાને આગળ વધારવી જોઈએ. લોઢાએ ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં આજે જે સ્થિતિ સર્જાઈ છે, તે ખુબ જ ચિંતાજનક બાબત છે. સહકર્મીઓ સાથે સંવાદ સ્થાપિત થાય તે ખુબ જ જરૂરી છે. ન્યાયાધીશોનું મંતવ્ય અને દ્રષ્ટિકોણ ભલે ભલે જુદો જુદો હોય પરંતુ તેને કોઈ રસ્તો શોધવો જોઈએ જે ન્યાયાલયને આગળ લઈ જાય. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર એમ લોઢાએ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ શૌરીના પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આમ કહ્યું હતું.

ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ લોઢાએ પણ ચીફ જસ્ટિસ તરીકે આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું, જેવી ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિસ કે એમ જોસેફના કેસમાં થઈ રહ્યું છે. તે સમયની યૂપીએ સરકારે કોલેજીયમની ભલામણને નકારી કાઢી હતી અને કોલેજીયમના વરિષ્ઠ અધિવકતા ગોપાલ સુબ્રમણ્યમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધિસ નિયુકત કરવાની પોતાની ભલામણ પર પૂનર્વિચાર કરવા કહ્યું હતું. જો કે સુબ્રમણ્યમે બાદમાં પોતાને આ પદની દોડમાંથી અલગ કરી દીધા હતા.

(11:34 am IST)