Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દિલ્હીથી રાંચી લવાયા બાદ લાલૂ રિમ્સમાં : અનેક ટેસ્ટ

લાલૂ યાદવ કાર્ડિયેક વોર્ડમાં ભર્તી કરાયા : પેથોલોજિકલ ટેસ્ટ કરવા બ્લડ સેમ્પલો લેવાયા : સવારે ૧૦ વાગે ટ્રેન મારફતે દિલ્હીથી લાલૂ યાદવ રાંચી પહોંચ્યા

રાંચી,તા. ૧ : દિલ્હીથી ઝારખંડના પાટનગર રાંચીમાં લાવવામાં આવ્યાના કલાકો બાદ આરજેડીના નેતા લાલૂ પ્રસાદ યાદવને રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)ના કાર્ડિયેક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાલૂ યાદવ ઘાસચારા કૌભાંડ કેસોમાં જેલની સજા ભોગવી રહ્યા છે. સવારે ૧૦ વાગે ટ્રેનથી આવી પહોંચ્યા બાદ તેમને તરત જ રિમ્સમાં લઇ જવામાં આવ્યા હતા.

કાર્ડિયેક વોર્ડમાં દાખલ કરાયા બાદ પેથોલોજિકલ સ્ટેટ માટે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. લાલૂ પર નજર રાખવા મેડિકલ ટીમ પણ બનાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઓલઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માંથી ચારા કૌભાંડના આરોપી અને આરજેડીના નેતા લાલૂ પ્રસાદ યાદવને ડિસ્ચાર્જ કરવાના મુદ્દે જોરદાર વિવાદ છેડાઈ ગયો હતો. લાલૂ યાદવને ૨૯મી માર્ચના દિવસે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલે સોમવારના દિવસે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા લાલૂએ દાવો કર્યો હતો કે, આ રાજકીય દ્વેષભાવથી કરવામાં આવેલી કામગીરી છે. તેમના જીવન સામે ખતરો રહેલો છે. આ હિલચાલને અયોગ્ય તરીકે ગણાવીને લાલૂએ કહ્યું હતું કે, આ એક રાજકીય કાવતરું છે. તેમને એવી જગ્યા પર મોકલવામાં આવી રહ્યા છે જ્યાં ખુબ ઓછી સુવિધા રહેલી છે. લાલૂને ડિસ્ચાર્જ કરતી વેળા એમ્સે સ્પષ્ટતા કરી હતી કે, લાલૂની તબિયત હવે બિલકુલ સ્વસ્થ છે. ઘાસચારા કૌભાંડના મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ લાલૂને સજા ફટકારવામાં આવી હતી. તબિયત બગડવાના કારણે લાલૂને એમ્સ ખસેડવામાં આવ્યા હતા. બિમાર થતાં પહેલા લાલૂ રાંચીની હોસ્પિટલમાં હતા. લાલૂ યાદવને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ લાલૂ યાદવ લાલઘૂમ દેખાયા હતા.

(12:00 am IST)