Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કલેકટરના માથે ચપ્પલ રાખીને તેને આશીર્વાદ આપવા કોશિશ કરવા લાગ્યો 'ચપ્પલ બાબા ' : લોકોએ લમધાર્યો

તામિલનાડુના સલેમ જિલ્લા કલેકટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં બાબા ઘસી ગયા

 

તામિલનાડુમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ બાબા તરીકે આપીને કલેક્ટરના માથા પર ચપ્પલ રાખી તેને આશીર્વાદ આપવાની કોશિશ કરી હતી. ઘટના સમયે હાજર રહેલા લોકોએ તેને પકડી લીધો હતો અને ઢોરમાર માર્યો હતો.

   તામિલનાડુના સલેમ જિલ્લાના કલેક્ટર રોહિણી રામદાસ અને અન્ય અધિકારી જિલ્લા કાર્યાલયમાં સાપ્તાહિક દિવસ પર લોકોની ફરિયાદ સાંભળવા માટે પહોંચ્યા હતાં. દરમિયાન એક સ્વયંભૂ બાબાએ કલેક્ટર સાથે અન્ય અધિકારીઓના માથા પર ચપ્પલ રાખીને આશીર્વાદ આપવાની કોશિશ કરી હતી.

  સ્થાનીક ન્યૂઝ અનુસાર ઘટના સમયે કલેક્ટર અને અન્ય અધિકારી લોકોની ફરિયાદ સાંભળી રહ્યાં હતાં. તે સમયે અરૂમુગુમ નામનો વ્યક્તિ લાઈનની બહાર નીકળ્યો અને સીધો કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને માથા પર ચપ્પલ રાખવાની કોશિશ કરવા લાગ્યો હતો.

   જોકે, એક ચેનલના જણાવ્યાનુસાર સ્વયંભૂ બાબાને ચપ્પલ ઉતારતા જોઇ કલેક્ટર પોતાના સ્થાનથી દૂર ખસી ગયા હતાં. જેથી બાબા તેમના માથા પર ચપ્પલ રાખી શક્યો નહોતો. પછી તે વ્યક્તિએ અન્ય અધિકારીઓના માથા પર પણ ચપ્પલ રાખવાની કોશિશ કરી હતી.

   સમગ્ર ઘટના જોઈ રહેલી ભીડે બાબાની હરકત પર ઢોરમાર માર્યો હતો. જોકે, પછી પોલીસે તે વ્યક્તિને ભીડના કબજામાંથી છોડાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર આરોપી બાબા પહેલા પણ આવી હરકત કરી ચૂક્યો છે. લોકોનું કહેવું છે કે પોતાને બાબા કહેવડાવતાં વ્યક્તિ પહેલા પણ અન્ય કલેક્ટરના માથા પર ચપ્પલ રાખવાની કોશિશ કરી ચૂક્યો છે.

(12:00 am IST)