Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઇન્‍ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ શેયરવિલના ઉપક્રમે આવતીકાલ ૨મે ૨૦૧૮ના રોજ વાસ્‍તુશાસ્‍ત્ર અને નસીબ ડિઝાઇન અંગે પ્રવચનઃ ૧૧મે ૨૦૧૮ના રોજ ‘મધર્સ ડે'ની ઉજવણી કરાશે

ફિલાડેલ્‍ફીઆ : સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે તારીખ ૧૫મી એપ્રિલ ૨૦૧૮ના રોજ આયોજિત સાહિત્યસભામાં અમેરિકન ગુજરાતી ડાયસ્પોરાના અગ્રજ અને પ્રખર ભાષાંતરકાર શ્રી અશોકમેઘાણીએ તેમણે કરેલા વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યના અનુવાદોમાંથી ચયન કરેલા કેટલાક અંશોનું પઠન કર્યું હતું.

સાહિત્ય સંસદના કોષાધ્યક્ષ સુશ્રી કોકિલા રાવલનાં નિવાસે ફીલાડેલ્ફીયા ખાતે આયોજિત સાહિત્ય સંસદની આ સભામાં પ્રારંભે સાહિત્ય સંસદના મહામંત્રી શ્રી નંદિતા ઠાકોરે સૌ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ સાહિત્ય સંસદના અન્ય મહામંત્રી શ્રી સુચિ વ્યાસે અતિથિ વક્તા શ્રી અશોક મેઘાણીના વ્યક્તિત્વ અને કર્તૃત્વનો પરિચય કરાવ્યો હતો.

રાષ્ટ્રીય શાયર, ઉદ્દાત માનવ અને વિશ્વશ્રેષ્ઠ અનુવાદક સ્વ. ઝવેરચંદ મેઘાણીના અનુવાદોના અધ્યયન પરથી એવું અચૂક પ્રતીત થાય કે એમના પુત્ર શ્રી અશોક મેઘાણીને સહજસાધ્ય એવું અનુવાદનું અભ્યાસમૂલક કૌશલ્ય એમના જિન્સમાં તો આવ્યું જ હશે પરંતુ એ કસબને હસ્તગત કરવા અશોકભાઈએ આપબળે પણ અથાક પરિશ્રમ કર્યો છે. સર્જનક્રિયામાં મૂળભૂત રીતે આવશ્યક એવી પ્રતિભા અને જન્મગત સંસ્કાર એ અશોક મેઘાણીને પ્રાપ્ય હોવાથી સાહિત્યિક કૃતિઓમાં પ્રતિપાદિત સંદર્ભ અને પરિવેષ કારયિત્રી પ્રતિભાને સહજતાથી સમજાય છે. કલા કૌશલ અને વિજ્ઞાનની પૂરક એવી અનુસર્જનાત્મક કલાના ધારક અશોક મેઘાણીએ અનેક પુસ્તકોનાં અનુવાદ કર્યા અને એમાં એમણે સીમાચિહ્નરૂપ કામ કર્યું છે પરંતુ કાકાસાહેબ કાલેલકરના પુસ્તક હિમાલયનો પ્રવાસનો અશોકભાઈએ અંગ્રેજીમાં તરજુમો કરીને વિશ્વપ્રવાસીઓ માટે ઉત્તમ ભેટ ધરી છે. મહદઅંશે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરતા અશોક મેઘાણીએ રાજમોહન ગાંધીનું દરબાર ગોપાલદાસ વિષેનું એક પુસ્તક પ્રિન્સ ઑફ ગુજરાતનો પ્રથમ વાર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે પણ અત્યંત નિખાલસતાથી તેઓ કહે છે કે ગુજરાતીમાં તરજુમો કરવાનું કામ થોડુંક કઠીન બની રહ્યું. શ્રી અશોક મેઘાણીની રજૂઆત બાદ ઉપસ્થિત ભાવકોએ એમના પ્રતિભાવ આપ્યા હતા.

સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી વિજય ઠક્કરે કહ્યું કે અનુવાદકળા મૂળભૂત રીતે માનવ એકતા અને વ્યક્તિચેતનાથી એ વિશેષ વિશ્વચેતનાની સક્રિય સંવાહક છે. વિશ્વસંસ્કૃતિના વિસ્તાર- પ્રસારમાં અનુવાદનું અત્યંત મહત્વનું યોગદાન રહ્યું છે. જોકે કઠીન અને જટિલ એવું અનુવાદકાર્ય કરતી વેળાએ અનુવાદકે સર્જનાત્મક કક્ષાએ અસાધારણ ભૂમિકા ભજવવાની હોય છે અને એવી આ સર્જનક્રિયામાં મૂળભૂત રીતે આવશ્યક એવી પ્રતિભા અને જન્મગત સંસ્કાર એ અશોક મેઘાણીને પ્રાપ્ત છે. મૂળ કૃતિમાં અભિપ્રેત સંદેશ કે અર્થને અત્યંત અડોઅડ રહીને તેમજ એના અર્થ અને એની શૈલીને વફાદાર રહીને એમણે કરેલા અનુવાદ એથી જ તો વિશ્વસનીય અને પ્રશંસનીય બન્યા છે. 
સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની આ સભામાં ગુજરાત લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકાના અધ્યક્ષ શ્રી રામ ગઢવી, ખૂબ જાણીતા લેખક મધુ રાય, મુંબઈ થી પધારેલા કવિ હિતેન આનંદપરા, જાણીતા સી.પી.એ અને ફ્રેન્ડસ ઑફ ફિલાડેલ્ફીયાના શ્રી દેવેન્દ્ર પીરની વિશેષ ઉપસ્થિતિ હોવા ઉપરાંત મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.  સભાના અંતે શ્રી કોકિલા રાવલે આભાર પ્રદર્શિત કર્યો હતો. તેવું શ્રી ગોવિન્‍દ શાહની યાદી જણાવે છે.

(11:19 pm IST)