Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

શિકાગોમાં જૂન માસની ૧૬મી તારીખને શનિવારે સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્‍યાના સમય દરમ્‍યાન ૪થા આંતરરાષ્‍ટ્રિય યોગા દિનની શાનદાર ઉજવણી શિકાગોના મિલેનીયમ પાર્કમાં થશેઃ મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોના મેયર પધારશેઃ શિકાગો દિલ્‍હી સીસ્‍ટર સીટી રીલેશન કમિટિ તેમજ શિકાગો સીટી અને શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસના સંયુક્‍ત સહયોગથી આ દિનની ઉજવણી થશેઃ જૂલાઇ માસની ૨૯મીને રવીવારે કલા ઉત્‍સવની ઉજવણી થશેઃ ભારતના બંધારણના ધડવૈયા ડો આંબેડકરની જન્‍મજયંતિની થયેલી ઉજવણીઃ સીસ્‍ટર સીટીના અગ્રણી સ્‍મિતા શાહ તથા વંદના જીંગનને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સન્‍માન કર્યુ

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં આવેલ મિલેનીયમ પર્કમાં ચોથા આંતરરાષ્‍ટ્રિય યોગા દિન તથા હેરીસ થીએટરમાં કલા ઉત્‍સવના કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવાના ચક્રો ગતિમાન થયેલા છે અને આ બંન્‍ને કાર્યક્રમો ઉજવણી સુંદર રીતે થઇ શકે તેની માહિતી આપવા માટે એક મિલન સમારંભનું આયોજન ડાઉનટાઉન વિસ્‍તારમાં આવેલ ભારતીય કોન્‍સ્‍યુલેટની ઓફિસમાં એપ્રીલ માસની ૧૬મી તારીખને સોમવારના રોજ કરવામાં આવ્‍યુ હતુ.આ પ્રસંગે ભારતીય સમાજના અગ્રણીઓ તથા શુભેચ્‍છકોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી. ભારતીય બંધારણના ધડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની જન્‍મ જયંતીની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણે સૌ પ્રથમ હાજર રહેલા મહેમાનોને આવકાર આપી પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે આગામી જુન માસની ૧૬મી તારીખને શનિવારે ચોથા આંતર રાષ્‍ટ્રિય યોગા દિનની ઉજવણી કરનાર છીએ અને તે પ્રસંગે ભારતીય કોન્‍સ્‍યુલેટ શિકાગો તેમજ શિકાગો દિલ્‍હી સીસ્‍ટર સીટી ગીલેશન કમીટીના સહયોગથી સવારે ૧૧ વાગ્‍યાથી ૩ વાગ્‍યા દરમ્‍યાન તેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોના મેયર રીમ ઇમેન્‍યુઅલ હાજરી આપશે તથા સરકારી પ્રતિનિધિઓ, ચુંટાયેલા રાજકીય નેતાઓ તથા ભારતીય સમાજના આગેવાનો મોટી સંખ્‍યામાં હાજરી આપશે.

આ દિવસે કોન્‍સ્‍યુલેટ ઓફિસના સત્તાવાળાઓ સંત નિરાકારી મિશન બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્‍થા તથા હિંદુ ટેમ્‍પલ ઓફ ગ્રેટર શિકાગોમાં પણ જનતાની સગવડતા માટે આ ચોથા યોગા દિનની ઉજવણી કરશે.

શિકાગોમાં કલા ઉત્‍સવનું પ્રતિ વર્ષે આયોજન કરવામાં આવે છે અને તેમાં ભારતીય સમાજની ભીન્‍ન ભીન્‍ન સંસ્‍થાઓ ભારતીય સંસ્‍કૃતિને સ્‍પર્શતા કાર્યક્રમો રજુ કરે છે અને તેથી આ વર્ષે જુલાઇ માસની ૨૯મી તારીખને રવીવારે હેરીશ થીએટરમાં કલા ઉત્‍સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે અને તેમાં ભારતીય સમાજના તેમજ ઇતરસમા જના સભ્‍યો હાજર રહી ભારતીય કલા સંસ્‍કૃતિને નિહાળશે.

એપ્રીલ માસની ૧૬મી તારીખને સોમવારના રોજ શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસમાં જે સમારંભ યોજવામાં આવેલ તેમાં ભારતના બંધારણના ધડવૈયા ડો ભીમરાવ આંબેડકરની  જન્‍મ જયંતીની શાનદાર રીતે ઉજવણી કરી હતી અને તે પ્રસંગે કોન્‍સ્‍યુલેટ ઓફિસના અધીકારી ડી.બી.ટ ભટ્ટીએ મહેમાનોને આવકાર આપીને ડો.બી.આર.આંબેડકર વિષે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ ત્‍યાર બાદ કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણે આંબેડકરના જીવન અને તેમના ધ્‍યેય અંગે વિસ્‍તૃત માહિતીઓ આપી હતી. આ વેળા ડો.આંબેડકરના જીવન ચસ્‍ત્રિ અંગે વિવિધ પ્રકારના ફોટાઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્‍યું હતું અને તમામ હાજર રહેલા મહેમાનોએ તેનો લાભ લીધો હતો.

શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં સૌ પ્રથમ વખત  પાર્લામેન્‍ટ ઓફ વર્લ્‍ડ રીલીજીયન મળેલ તે સ્‍થળને અડીને આ મીલોનિયમ સ્‍થળને અડીને આ મીલોનિયમ પાર્ક આવેલ છે તેથી યોગા દિનનું મહત્‍વ સવિશેષમાં બની રહેતો નવાઇની વાત નથી આ દિનની ઉજવણીમાં શિકાગો શહેર તેમજ શિકાગો દિલ્‍હી સીસ્‍ટરો સીટી રીલેશન કમીટી અને કોન્‍સ્‍યુલેટ ઓફિસ શિકાગોના સંયુક્‍ત ઉપક્રમે આ યોગા દિનના કાર્યક્રમની ઉજવણી થનાર હોવાથી તે વ્‍યવસ્‍થીત રીતે થઇ શકે તે અંગેના ચક્રો ગતીમાન થયેલા જોવા મળે છે.

શિકાગોમાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોને મોટી સંખ્‍યામાં પધારવા માટે કોન્‍સ્‍યુલેટ ઓફિસના સત્તાવાળાઓએ આગ્રહભરી વિનંતી કરેલા છે આ વેળા સીસ્‍ટર સીટીના અગ્રણી સ્‍મિતા શાહ તથા મિડિયાના અગ્રણી વંદન જીંગનનું પુષ્‍પ ગુચ્‍છ અર્પણ કરી બહુમાન કર્યુ હતું.

(11:18 pm IST)