Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

‘‘ગ્રીન કાર્ડ બેકલોગ દૂર કરો, દેશ દીઠ ગ્રીન કાર્ડ કવોટાની મર્યાદા હટાવો'': અમેરિકાના ન્‍યુજર્સી તથા પેન્‍સિલ્‍વેનિઆમાં ઇન્‍ડિયન અમેરિકન પરિવારોની રેલીઃ વહેલી તકે કાયમી નાગરિકત્‍વ આપવા યુ.એસ.કોંગ્રેસ, સેનેટ, તેમજ વ્‍હાઇટ હાઉસ વહીવટ તંત્રને અનુરોધ કર્યો

ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સી તથા પેન્‍સીલ્‍વેનિઆમાં ઇન્‍ડિયન અમેરિકન આઇ.ટી.પ્રોફેશ્‍નલ પરિવારો દ્વારા વીક એન્‍ડ દરમિયાન રેલીનું આયોજન કરી આક્રોશ વ્‍યક્‍ત કરાયો હતો. જેમાં વર્ષોથી ખેંચાતા આવતા તથા ધીમી ગતિના ગ્રીનકાર્ડ બેકલોગને દૂર કરી દેશ દીઠ મર્યાદા હટાવી છેલ્લા ૭૦ વર્ષથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ૩ લાખ લોકોને વહેલી તકે ગ્રીન કાર્ડ અપાવવા અનુરોધ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે ગ્રીન કાર્ડ ધારક વ્‍યક્‍તિને અમેરિકામાં કાયમી વસવાટ તથા કામ કરવાનો અધિકાર મળે છે મોટા ભાગના ઇન્‍ડિયન અમેરિકન પરિવારો  H-1B વીઝાધારકો  છે. જેઓ માટે દર વર્ષે દેશ દીઠ માત્ર ૭ ટકા ગ્રીન કાર્ડ આપવાની વર્તમાન ઇમીગ્રેશન સિસ્‍ટમ અવરોધરૂપ છે

પેન્‍સીલ્‍વેનિઆ ખાતે યોજાયેલી રેલીમાં ઇન્‍ડિયન અમેરિકન H-4 વીઝાધારક પરિવારના ૩ બાળકોએ ૨૧ વર્ષની ઉમર પછી દેશ છોડવો પડશે તેની વ્‍યથા વ્‍યક્‍ત કરી હતી.

જેઓ તેમના માતા-પિતા સાથે કાયદેસર રીતે અમેરિકા આવેલા છે. તેમને કાયમી નાગરિકત્‍વ મળવુ જોઇએ. તથા દેશના તમામ બાળકોને સમાન અધિકાર મળવા જોઇએ તેવી રજુઆત કરી હતી.

રેલીના આયોજક GCI રિફોર્મ્‍સએ જણાવ્‍યું હતું કે હાઇ સ્‍કિલ્‍ડ ઇમીગ્રન્‍ટસ માટે કામ કરવાનો તથા બેકલોગને લગતા મુદાનો ઉકેલ લાવવાનો આ યોગ્‍ય સમય છે તેથી યુ.એસ.કોંગ્રેસ સેનેટ તેમજ વ્‍હાઇટ હાઉસ વહીવટી તંત્રએ આ બાબતે તાત્‍કાલિક ઘટતું કરવું જોઇએ.

(11:15 pm IST)