Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પિયુષ ગોયલ પર કથિત કૌભાંડનો આરોપ લગાવાયા બાદ રાહુલ ગાંધી દ્વારા રાજીનામાની માંગણી

નવી દિલ્હીઃ કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ સામેના કથિત કૌભાંડના આરોપ બાદ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધીઅે તેમના રાજીનામાની માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે ગોયલ પર લાગેલા આરોપો નકાર્યા છે. રાહુલે મંગળવારે ટ્વીટમાં આરોપ લગાવ્યો, પીયૂષ ગોયલનું 48 કરોડનું કૌભાંડ જાસૂસી, હિતોનો ટકરાવ અને લાલચનો મામલો છે. પુરાવા બધાની સામે છે. તેમ છતાં મીડિયા આ સ્ટોરીને કવર નહીં કરે. તેમણે કહ્યું, ગોયલે રાજીનામું આપી દેવું જોઈએ. 

કોંગ્રેસના નેતા પવન ખેડાએ 28 એપ્રિલે કેટલાક કાગળો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે ઉર્જા પ્રધાન રહેતા ગોયલે પોતાની કંપની એક ખાનગી કોર્પોરેટ સમૂહને એક હજાર ગણી  વધુ કિંમતથી વહેંચી અને પોતાની સંપત્તિના વિવરણમાં તેનો ઉલ્લેખ ન કર્યો, ભાજપે તેના આરોપો નકાર્યા છે. 

સોમવાર (30 એપ્રિલ) કોંગ્રેસે કહ્યું કે, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા પોતાની કંપની લગભગ એક હજાર ગણી વધુ કિંમત પર ખાનગી ઔદ્યોગિક સમૂહને વેંચવા સંબંધિ આરોપો પર ભાજપે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, અમે વિચાર્યું કે પીયૂષ ગોયલની સ્ટોરી એક ફિલ્મી હશે, પરંતુ આ તો સીરિયલ છે. આ એક એવી સીરિયલ છે જેમાં અમારે ઓછી મહેનત કરવી પડી રહી છે. ભાજપ જ્યારે પીયૂષ ગોયલનો બચાવ કરે છે તો એક નવો એપીસોડ આવી જાય છે. આ મામલે દરરોજ કંઇક નવું સામે આવી રહ્યું છે. 

(6:27 pm IST)