Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રેલવે તંત્ર દ્વારા ઓનલાઇન ટિકીટ માટે નવી સુવિધા ઉપલબ્ધઃ ટિકીટ બુક કર્યા પછી બોર્ડીંગ સ્ટેશન પણ બદલાવી શકાશે

નવી દિલ્હીઃ રેલવે તંત્ર દ્વારા યાત્રિકો માટે નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ઓનલાઇન બુકીંગ લીધા બાદ બોર્ડીંગ સ્ટેશન પણ બદલાવી શકાશે.

જો તમે બહારગામ જવા માટે ટિકિટ બુક કરાવી હોય અને છેલ્લી ઘડીએ પ્લાનમાં કોઈ ચેન્જ થઈ જાય તો ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવા સમયે તમે અસહાય બની જાઓ છો કારણ કે તમારી ટિકિટ પહેલાંથી બુક હોય છે. ઘણીવાર એવું થાય છે કે ટ્રેનની ટિકિટ બુક થઈ જાય પછી છેલ્લી ઘડીએ કોઈ બીજી જગ્યાથી ટ્રેન પકડવી પડે એમ હોય તો સમસ્યા ઉભી થઈ શકે છે. આવા સંજોગોમાં રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ નવી સર્વિસ શરૂ કરી છે. રેલવેની આ સર્વિસમાં યાત્રી ટિકિટ બુક થયા પછી બોર્ડિંગ સ્ટેશન પણ બદલાવી શકાશે. 

જો તમે તમારું બોર્ડિંગ સ્ટેશન બદલવા ઇચ્છતા હો તો તમારે આઇઆરસીટીસીની વેબસાઇટ પર જવું પડશે. આઇઆરસીટીસી તરફથી આ સર્વિસ એવા જ પ્રવાસીઓને જ મળશે જેણે ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય. આ સુવિધા ટિકિટ કાઉન્ટર કે પછી એજન્ટ પાસેથી ટિકિટ લેનારને નહીં મળે. 

આ સિવાય એ પ્રવાસીઓને બોર્ડિંગ બદલવાની સુવિધા નહીં મળે જેને ટિકિટ બુકિંગ વખતે 'વિકલ્પ'ની પસંદગી કરી હશે. રેલવે તરફથી વિકલ્પની શરૂઆત એવા પ્રવાસીઓ માટે કરવામાં આવી છે જે એક ટ્રેનમાં સીટ ન મળે તો બીજી ટ્રેનમાં પ્રવાસ કરવાની તૈયારી બતાવે છે. વળી, જો તમે એકવાર ઓનલાઇન બોર્ડિંગ સ્ટેશન બદલી નાખો તો તમને જુના બોર્ડિંગ સ્ટેશનથી ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી નહીં મળે. જો તમે બોર્ડિંગ સ્ટેશન બદલ્યા પછી જુના બોર્ડિંગ સ્ટેશન પરથી પ્રવાસ કરશો તો દંડ ભરવો પડશે. 

આવી રીતે બદલો બોર્ડિંગ સ્ટેશન...

સૌથી પહેલાં IRCTC એકાઉન્ટને લોગ ઇન કરો

પછી બુકિંગ ટિકિટ હિસ્ટ્રી સેક્શન પર ક્લિક કરો

જે ટ્રેનમાં બુકિંગ કર્યું છે એને સિલેક્ટ કરીને 'ચેન્જ બોર્ડિંગ પોઇન્ટ' પર ક્લિક કરો

નવું બોર્ડિંગ સ્ટેશન સિલેક્ટ કરો 

(6:25 pm IST)