Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક રાશન વિતરણ

કોરોના વચ્ચે માનવીય અભિગમ

અમદાવાદ,તા. ૨ :  કોરોનાના કહેર વચ્ચે આર્થિક તંગી અને હાલમાં ચાલી રહેલા લોકડાઉનને પગલે સ્માઇલ ફાઉન્ડેશન સમાજના વંચિત લોકોને નિઃશુલ્ક રાશનનું વિતરણ કરવા માટે આગળ આવ્યું છે તથા ફોન પર સલાહસૂચનો અને પરામર્શ પૂરું પાડી રહ્યું છે. સામાજિક અંતર જાળવી તથા પોતાની અને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવીને કોરોના વાયરસને કેવી રીતે નિવારી શકાય તે અંગે સ્માઇલ ફાઉન્ડેશને તેના ઉપયોગી એવા આ સેશનો મારફતે વાત કરવાની અનોખી પહેલ રજૂૂ કરી છે. સંસ્થા દ્વારા રાશન અને જરૂરી સેવાઓના વિતરણના પ્રથમ તબક્કામાં દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તેલંગણા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પંજાબ જેવા સૌથી વધુ પ્રભાવિત ૧૦ રાજ્યમાં અંદાજે ૪૦,૦૦૦ પરિવારો (૨ લાખથી વધુ લોકો)ને લાભ પ્રાપ્ત થશે. નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઇઝેશન (એનએસએસઓ), ૨૦૧૧ સૂચવે છે કે, ભારતમાં લગભગ ૩ કરોડ શ્રમિકો સતત આવનજાવન કરતાં રહે છે અને દરરોજ આ સંખ્યામાં ઉમેરો થતો જઈ રહ્યો છે. હવે લોકડાઉન હોવાથી છેલ્લાં કેટલાક અઠવાડિયા દરમિયાન દૈનિક ભથ્થાંઓ પરની નિર્ભરતા અનિયમિત થઈ ગઈ છે અને તે ધીમે-ધીમે ઘટતી જઈ રહી છે. સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોને આવક કે ભોજનની કોઈ આશા નહીં જણાઈ રહી હોવાથી તેઓ શહેરોમાંથી પલાયન કરવા મજબૂર બની રહ્યાં છે. સમગ્ર દેશની રાજ્ય સરકારો આહાર અને આશ્રય આપવા ઇચ્છી રહી છે ત્યારે આ તબક્કે આવી દરેક વ્યક્તિ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે અને આ કામગીરીનું બીડું એનજીઓ, કોર્પોરેટ્સ અને નાગરિક સમાજ સહિતના તમામ હિતધારકોએ ઉપાડવું જોઇએ. સ્માઇલ ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી શ્રી શાંતનુ મિશ્રાએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૧૫ વર્ષ દરમિયાન અમે ૧૨થી વધુ હોનારતોનો સામનો કર્યો હશે અને દરેક વખતે અમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે.

(9:45 pm IST)