Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

૩ દિ'ના શિશુને કોરોનાનો ડંખ

દેશનો સૌથી નાની વયનો દર્દી

મુંબઇ, તા.૨: ત્રણ દિવસનો એક બાળક દેશનો સૌથી નાની ઉંમરનો કોરોના પેશન્ટ બન્યો છે. મુંબઈની આ દ્યટનામાં બાળકના પિતાએ આક્ષેપ કર્યો છે કે બાળક અને તેની માતાને કોરોનાના દર્દીએ ખાલી કરેલા રુમમાં રાખવામાં આવતા તેમને ચેપ લાગ્યો છે. આ નર્સિંગ હોમની રિસેપ્શનિસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હોવાની આશંકા છે.

બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમની પત્નીએ ૨૬ માર્ચે સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. ૧૨.૩૦ કલાકે માતા અને બાળકને તેમને પ્રાઈવેટ રુમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, ૨ વાગ્યે એક નર્સ આવી હતી અને તેણે રુમ ચેન્જ કરવા માટે કહ્યું હતું. બાળકના પિતાને પણ હાલ કસ્તુરબા હોસ્પિટલમાં કવોરન્ટિન કરવામાં આવ્યા છે.

નર્સના કહેવા પર ફેમિલીએ રૂમ તો બદલી નાખ્યો હતો, પરંતુ તેની પાછળ હોસ્પિટલે તેમને કોઈ કારણ નહોતું આપ્યું. માત્ર ૨૪ કલાકમાં જ ડોકટરે ફોન કરીને બાળકના પિતાને જણાવ્યું હતું કે તેમને પહેલા જે રુમ અપાયો હતો તેમાં રહેલા પેશન્ટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને હવે તેમને કોઈ ડોકટર કે નર્સ જોવા માટે નહીં આવે. નર્સિંગ હોમે ૬૫,૦૦૦ રુપિયા લીધા હોવા છતાં આવી બેદરકારી દાખવી હતી.

તેમણે કહ્યું હતું કે, જો તેમને પહેલાથી આ વાતની જાણ કરી દેવાઈ હોત તો તેમણે કપડાં બદલી લીધા હોત અને પોતાને સેનેટાઈઝ પણ કરી દીધા હોત. એક તરફ બાળકના પિતા એમ કહી રહ્યા છે કે તેમની પત્નીને હોસ્પિટલ આવતા પહેલા કોરોનાના કોઈ લક્ષણ નહોતા, ત્યારે બીજી તરફ ડોકટરનું કહેવું છે કે બાળકને ચેપ લાગ્યો કે પછી તેનો જન્મ કોરોના વાયરસના ઈન્ફેકશન સાથે જ થયો છે તે કહેવું મુશ્કેલ છે.

(3:39 pm IST)