Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

નાણામંત્રી સીતારામનની જાહેરાત

વાહન વીમા - હેલ્થ ઇન્સ્યુરન્સ પોલીસીની રીન્યુઅલ તારીખ ૨૧મી એપ્રિલ સુધી વધારવામાં આવી

નવી દિલ્હી તા. ૨ : લોકડાઉનને કારણે લેપ્સ થઇ રહેલ તમામ સ્વાસ્થ્ય અને થર્ડ પાર્ટી મોટર વાહન વીમા પ્રીમીયમની ચુકવણીની તારીખ સરકારે વધારી દીધી છે. એટલે કે ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ વચ્ચે જે વીમા પોલીસીઓ રીન્યુ કરવાની હતી તે હવે ૨૧ એપ્રિલ ૨૦૨૦ સુધી રિન્યુ કરાવી શકાશે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે આ જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ વચ્ચે જો કોઇ પોલીસી ધારક પ્રીમીયમ ભરી શકયા નથી તેઓની પોલીસી હવે લેપ્સ નહિ થાય. તેમણે ટવીટ થકી આ જાહેરાત કરી છે.

૨૩ કરોડ વાહન માલિકો અને ૪૦ કરોડ નાગરિકોને નાણાં મંત્રાલયે ભેટ આપી છે. સરકારે ખાનગી અથવા રાજય સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીઓને કોરોના વાયરસ સંકટના સમયે રાહત આપી છે. નાણા મંત્રાલયે કાયદામાં સંશોધન કર્યુ છે અને ૨૧ એપ્રિલ ૨૦૨૦ સુધી વીમા પ્રિમિયમની માન્યતા વધારી દીધી છે.

હકીકતમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ છે.

જેના કારણે ઘણાં લોકોની સેલરી નથી થઇ તો ઘણી ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાથી લોકોના કામ-ધંધા ઠપ્પ થઇ ગયાં છે. એક અધિસૂચના અનુસાર નાણા મંત્રાલયે વીમા અધિનિયમ, ૧૯૩૮ની ધારા 64VBમાં સંશોધન કર્યુ છે જે પ્રિમિયમની ચુકવણી વિના અગ્રીમ કવરેજની પરવાનગી નથી આપતુ.

તેથી વાહન માલિકો અને હેલ્થ ઇંશ્યોરન્સ પોલીસીહોલ્ડર્સની પોલીસીની માન્યતા વધારી દેવામાં આવી છે. લોકડાઉનનો સમયગાળો ૨૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધીની છે. એટલે કે તમારી પોલીસીનો વેલીડીટી ૧૦ દિવસ માટે વધારી દેવામાં આવી છે. જો તમારી પોલીસી આ સમયગાળામાં સમાપ્ત થઇ ગઇ છે તો તમને પોલીસીના કવરેજ અને લાભ મળતા રહેશે.

ડિજિટલ પેમેન્ટ્સ કંપની PhonePeએ બજાજ આલિયાંઝ જનરલ ઇન્શ્યોરન્સ (Bajaj Allianz General Insurance)ના સહયોગથી કોરોના કેર નામની એક ઇન્શ્યોરન્સ પોવીલીની ઘોષણા કરી છે. ફોન પે ૧૫૬ રૂપિયાની કિંમતે આ પોલીસી તે લોકોને ૫૦ હજાર રૂપિયાનું વીમા કવર આપશે જે ૫૫ વર્ષથી ઓછી ઉંમરના છે અને કોઇપણ હોસ્પિટલમાં માન્ય હશે જે કોવિડ-૧૯ માટે ઉપચાર કરે છે.

ઉપચારના ખર્ચને કવર કરવા ઉપરાંત આ પોલીસીમાં પ્રી-હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ-કેર મેડિકલ ટ્રીટમેન્ટ પર થતા એક મહિનાનો ખર્ચ પણ સામેલ છે. ગ્રાહક તેને ફોનપે એપના My Money સેકશનમાં ઓનલાઇન ખરીદી શકે છે. કંપનીનો દાવો છે કે સમગ્ર પ્રક્રિયામાં ૨ મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને પોલીસી ડોકયુમેન્ટ તરત જ ફોનપે એપમાં જ જારી કરી દેવામાં આવશે.

(3:27 pm IST)