Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યું આશ્વાસન : કેન્દ્ર - રાજ્યો સાથે રહીને કોરોનાને હરાવશે

કોરોના સંકટનો સાથે મળી મુકાબલો કરશું: મોદી રાજ્યોએ પુછ્યુ... શું લોકડાઉનનો ગાળો વધારવાના છો ?

પ્રવાસી મજુરો, રાહત કાર્યો, તબલીગી જમાત સહિતની બાબતોની ચર્ચા

નવી દિલ્હી તા. ૨ : કોરોના સંકટ મામલે આજે વડાપ્રધાને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી અને તે દરમિયાન પીએમ મોદીએ રાજ્યો પાસેથી ચાલી રહેલા રાહતકાર્યો, પ્રવાસી મજુરો, અનાજના વિતરણ સહિતના મામલે વિગતો મેળવી હતી અને તેમણે કહ્યું હતું કે આ આફતને કેન્દ્ર અને રાજ્ય બંને સાથે રહીને પરાજીત કરશે. તેમણે તબલીગ જમાતની પણ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી જે દરમિયાન મુખ્યમંત્રીઓએ એવું જાણવા પ્રયાસ કર્યો હતો કે શું કેન્દ્ર સરકાર લોકડાઉનનો ગાળો વધારવાની છે કે નહીં ? આ બેઠકમાં મેડિકલ કીટનીપણ ચર્ચા થઇ હતી. વડાપ્રધાને રાજ્યો પાસેથી પેન્ડીંગ રકમનું ઉઘરાણુ પણ કર્યુ હતું. તો બીજી તરફ રાજ્યોએ પણ સહાયની માંગણી કરીહતી. મમતા બેનર્જીએ ૨૫૦૦ કરોડ માંગ્યા હતા તો પંજાબે પણ ૬૦,૦૦૦ કરોડની માંગણી કરી હતી. કોરોના સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આ દરમ્યાન મુખ્યમંત્રીઓને રાજયો તરફથી કરાઈ રહેલા ઉપાયો પર ચર્ચા કરી હતી. સાથે જ કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી વ્યવસ્થા વિશે પણ જણાવવામાં આવ્યું હતું. આ પહેલાં પીએમ મોદી અમુક સેકટરના લોકો સાથે કોરોના સંકટ પર ચર્ચા કરી ચૂકયાં છે.

મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી સામાન્ય પ્રજા સુધી જરૂરી સામાન પહોંચાડવા અને તેમના માટે કરાયેલી વ્યવસ્થા પર વાત કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ તમામ મુખ્યમંત્રીઓને લોકડાઉનનું કડક પાલન કરવા જણાવ્યું હતું. તેમણે આ સાથે રાજયોને અપીલ કરી હતી જે રાજયોમાં જમાતના લોકો ગયા છે તેમને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવે.ઙ્ગ

આ સાથે પીએમ મોદીએ રાજયના તમામ મુખ્યમંત્રીઓને આ સંકટના સમયમાં આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે સાથે મળીને લડીશું.

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા ૨૦૦૦ને વટાવી ગઈ છે, જયારે ૫૮ લોકો જીવ ગુમાવી ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાકની અંદર જ સાત લોકોના મોત થયા છે અને લગભગ ૩૦૦ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ઝડપથી વધી રહેલા કોરોના સંકટને લઈને સમગ્ર દેશ ચિંતત છે.

શ્રમિકોના પલાયન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે આપણે શ્રમિકોના પલાયનને કોઇપણ રીતે રોકવી પડશે. તેના માટે દરેક રાજય પોતાના તરફથી સારી વ્યવસ્થા કરે. શ્રમિકો માટે શેલ્ટર હોમની સાથે ખાવા-પીવાની વ્યવસ્થા કરે. આ સાથે શ્રમિકોને પણ અપીલ કરી છે કે તેઓ રોડ પર ન નીકળે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આ સંકટના સમયે કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે ઉત્તમ સંકલનની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર દરેક રાજય સરકારના પડખે ઉભી છે અને રાજય સરકારને જે જરૂરી મદદ છે તે ઉપલબ્ધ કરાવામાં આવશે. ઙ્ગઆ દરમિયાન પીએમ મોદીએ રાજયના મુખ્યમંત્રીઓ સાથે મેડિકલ સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાંક દિવસોમાં કોરોનાના વધતાં કેસને લઇને ચિંતા વ્યકત કરી. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળે તેઓ આઇસોલેટ થાય. આ સાથે તેમના સંપર્કમાં આવેલા બધા લોકોને કવોરન્ટાઇન કરવામાં આવે. જો કવોરન્ટાઇન વોર્ડ વધારવાની જરૂરિયાત છે તો તેને વધારવામાં આવે.

આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોગ પ્રતિકારક ક્ષમતા (ઇમ્યુનિટિ) વધારવા અંગે ટિપ્સ આપી હતી. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું, આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઇમ્યૂનિટિ માટે કેટલાક દિશાનિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે સરળતાથી કરી શકાય છે. કેટલીક તો એવી વાત છે કે જે હું વર્ષોતી કરતો આવ્યો છું. જેમ કે આખુ વર્ષ ગરમ પાણી પીવું.

આમ દેશમાં વધતા કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બધા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે રાજયો તરફથી કરવામાં આવી રહેલા ઉપાયો પર વાતચીત કરી.

(3:14 pm IST)