Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જમ્મુ- કાશ્મીરમાં વિશેષાધિકારો પરત ખેંચાયાઃ પૂર્વ મુખ્યમંત્રીઓની સુવીધાઓ- ભથ્થા બંધ

૧૯૮૪થી પૂર્વ મુખ્યમંત્રીઓને વિશેષાધિકાર હેઠળ મળતા ભાડા મૂકત આવાસ, મકાન સજજ કરવા સહાય, ટેલીફોન સેવા, વિજળી, કાર, ડ્રાયવર, પેટ્રોલ, તબીબી સુવીધાઓ ઉપર પૂર્ણવિરામ

નવીદિલ્હી,તા.૨: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનોના ભથ્થાઓ અને વિશેષાધિકારો પાછા ખેંચી લેવામાં આવ્યા છે, સરકારે વિશેષધિકારોની સૂચિને રદ કરી છે. જેના દ્વારા ૧૯૮૪થી પૂર્વ મુખ્યમંત્રીઓ વિશેષાધિકારો મેળવતા હતા.

ગઈકાલે જારી કરવામાં આવેલ જાહેરનામાં મુજબ, કેન્દ્ર સરકારે રાજય વિધાનસભા સભ્યોના પેન્શન એકટ, ૧૯૮૪ની કલમ ૩- સી રદ કરી છે, જે અંતર્ગત જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ  મુખ્ય પ્રધાનો જુદી જુદી  રાહતો અને વિશેષાધિકારો માટે હકદાર હતા.

જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને ભાડા- મુકત સજ્જ આવસા, રહેણાંક મકાન સજ્જ કરવા માટે વાર્ષિક રૂ.૩૫૦૦૦, મફત ટેલીફોન સેવા વાર્ષિક ૪૮૦૦૦ સુધી, ૧૫૦૦ રૂપિયા મહીને સુધી વીજળી, કાર, પેટ્રોલ, તબીબી સુવિધાઓ, ડ્રાઈવર વગેરે મળતા.

કાયદાની આ જોગવાઈ જમ્મુ- કાશ્મીર પુનરર્ચના (રાજયના કાયદાને અનુરૂપ) ઓર્ડર- ૨૦૨૦ દ્વારા કાઢી નાખવામાં આવી છે.

 જમ્મુ અને કાશ્મીરના કાયદા પંચે પૂર્વ મુખ્યમંત્રીઓને સુવિધા આપતી કાયદાકીય જોગવાઈઓને રદ કરવાની ભલામણ કરી હતી, કેમ કે એ સમાનતાના બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન હતું, તે કોઈ યોજના અથવા કાયદા સાથે સુસંગત ન હતા.

(11:35 am IST)