Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અમેરિકામાં ૨૪ કલાકમાં ૮૮૪ લોકોના મોતઃ શબઘર છલોછલ થઇ ગયા

દર અઢીથી છ મિનિટે ૧નું મોત થાય છેઃ કુલ મૃત્યુઆંક ૪૪૭૫: ૨,૧૩,૩૭૨ લોકો સંક્રમીત

વોશીંગ્ટન તા.૨: અમેરિકામાં બુધવારે કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા  ચાર હજારથી પણ વધી ગઇ છે. દર અઢીથી છ મિનિટમાં એકનું મોત થવાના કારણે ન્યુયોર્કમાં હોસ્પિટલોમાં મુર્દાઘરો ભરાઇ ગયા છે.  જોન હોપ્કીન્સ યુનિવર્સિટીમાં કોરોના વાયરસ રિસર્ચ કેન્દ્રએ જણાવ્યુ છે કે કોરોના વાયરસથી  છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૮૮૪ લોકોના  મોત થયા છે. આ આંકડો એક દિવસમાં થયેલા મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો છે. મૃત્યુઆંક ૪૪૭૫ થયો છે. ૨,૧૩,૩૭૨ સંક્રમિત છે.

દરમ્યાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દરેક અમેરિકનને  મુશ્કેલ દિવસો માટે તૈયાર હોવાનું  રહેતા  ચેતાવ્યા છે કે આગામી બે અઠવાડીયામાં  બહુ દર્દનાક બની શકે છે. આખા શહેરમાં વધી રહેલા મૃતકોની સંખ્યા  જોતા શબોના અંતિમ સંસ્કાર મુશ્કેલ બની ગયા છે. ન્યુયોર્કની હાલત તો  વધુ ખરાબ છે, જ્યાં છેલ્લા ૩૦ વર્ષોથી  શબોને દફનાવવાનું કામ કરતી ઈન્ટરનેશનલ ફયુનરલ કંપનીના સીઇઓ મર્મોએ કહ્યુ કે લાશોને  સંભાળવામાં મુશ્કેલી થઇ રહી છે.

તેમણે કહ્યુ કે હોસ્પિટલોના મુર્દાઘર લગભગ ભરાઇ ગયા છે.   જ્યારે  શબોને દફનાવવાનુ પણ ખતરનાક બની રહ્યુ છે. મને નથી ખબર  પડતી કે હું કેટલી લાશ લઇ શકીશ.

અમેરીકાના ન્યુયોર્ક  શહેરમાં કરોના વાયરસ સંક્રમણથી મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ઓફિશ્યલ આંકડાઓ અનુસાર શહેરમાં ૩૧ માર્ચ સુધી કોરોના વાયરસના ૪૧૭૭૧ કેસ જાહેર થઇ ચૂકયા છે અને ૧૦૯૬ લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા  ૮૪૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી ૧૮૮૮ લોકો આઇસીયુમાં છે.  રાજ્યના ગવર્નર  એ્ન્ડ્રયુ  ફુઓમોએ  ચેતવણી આપી છે કે આ સંકટ સમાપ્ત થતા પહેલા હજારોના જીવ લઇ શકે છે. મેયર બિલ બ્લાસીયોએ કહ્યુ કે આપણે સૌથી મુશ્કેલ દોરમાં પ્રવેશી રહ્યા છીએ અને આપણા શહેર સામે પડકારો વધી રહ્યા છે.

(11:00 am IST)