Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મહારાષ્ટ્રમાં ૧ દિ'માં ૭ના મોત : ૩૩૫ કેસ

CISFના પાંચ જવાનોને પોઝીટીવ કોરોના

નવી દિલ્હી તા. ૨ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કેર વરસાવી રહ્યો છે. અહીં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોના વાયરસની ઝપટમાં હવે સીઆઇએસએફના પાંચ જવાનો પણ આવી ગયા છે. આ પહેલા મુંબઇના સીએસટી રેલવે પોલિસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ કોરોના સંક્રમિત મળી આવ્યો હતો. રેલવે પોલિસના આ કોન્સ્ટેબલને ૩૦ માર્ચે કલ્યાણની રૂકમણિબાઇ હોસ્પિટલમાંથી કસ્તુરબા હોસ્પિટલમાં મોકલાયો હતો. ત્યાં તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેનું રીઝલ્ટ પોઝીટીવ આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં રોજ કોરોનાના દર્દીઓ વધતા જાય છે. આ ઉપરાંત અહીં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ગઇકાલે જ સાત લોકોના મોત થયા છે જેમાંથી પાંચ મુંબઇમાં જ થયા છે. એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં રહેનાર એક શખ્સનું ઇલાજ દરમિયાન મોત થયું હતું. મૃતકની ઉંમર ૫૬ વર્ષ હતી. ધારાવીમાં કોરોનાનો આ પહેલો કેસ હતો. મૃતકનું સેમ્પલ પોઝીટીવ આવ્યું હતું. તેના પરિવારના ૮ થી ૧૦ લોકોને કવોરન્ટાઇનમાં રખાયા છે. મૃતક જ્યાં રહેતો હતો તે બિલ્ડીંગને પણ સીલ કરી દેવાયું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૭ મોત કોરોના વાયરસના કારણે થઇ ચૂકયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૩૩૫ છે. જ્યારે મુંબઇમાં દર્દીઓનો આંકડો ૧૬૧ ઉપર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે કોરોનાના ૧૮ નવા કેસ બહાર આવ્યા છે.

(10:56 am IST)