Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોનાનો મૃત્યુઆંક ૪૭૦૨૮ : ૯.૧૭ લાખ દર્દીઓ

વિશ્વભરમાં મોતનો આંકડો સતત વધે છે : સ્પેનમાં ૨૪ કલાકમાં ૮૬૪ના મોત : કુલ મૃત્યુઆંક ૯૦૦૦: અમેરિકામાં બે દિવસમાં ૧૭૪૯ના મોત : બ્રિટનમાં ૧ દિવસમાં ૫૦૦ના મોત : ઇરાનમાં ૨૯૮૭ નવા કેસ : મૃત્યુઆંક ૩૦૦૦

નવી દિલ્હી તા. ૨ : કોરોના એટેકથી વિશ્વનો મૃત્યુઆંક ૪૬૦૦૦ની ઉપર પહોંચી ગયો છે. સ્પેનમાં ૨૪ કલાકમાં વધુ ૮૬૪ના મોત થતાં કુલ મૃત્યુઆંક ૯૦૦૦ થઇ ગયો છે. વિશ્વમાં મૃતકોનો આંકડો ૪૭૦૨૮ થયો છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા ૯,૧૭,૯૧૩ થઇ છે. ૧૯,૩૩૩ દર્દી સાજા થયા છે. બ્રિટનમાં ૧ દિ'માં ૫૦૦ના મોત થયા છે. જ્યારે ઇરાનમાં ૨૯૮૭ નવા કેસ આવ્યા છે અને દેશનો મૃત્યુઆંક ૩૦૦૦ થયો છે. અમેરિકામાં માત્ર બે દિવસમાં ૧૭૪૯ના મોત થયા છે.

ઇટાલીમાં કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુનો પ્રથમ કેસ ફેબ્રુઆરીના અંતમાં આવ્યો હતો, પરંતુ હવે ત્યાં સંક્રમણથી મૃત્યુઆંકની સંખ્યા ૧૨૪૨૮ થઈ છે. દેશમાં ૧૦૫૭૯૨ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે અને અત્યાર સુધીમાં ૧૫૭૨૯ લોકો સંક્રમણ મુકત થયા છે. સ્પેનમાં આ વાયરસના સંક્રમણને કારણે ૯૦૫૩ લોકોનાં મોત નીપજયાં છે, જયારે ૧૦૨૧૩૬ લોકોએ સંક્રમણની પુષ્ટિ કરી છે.

હોંગકોંગ અને મકાઉમાં અત્યાર સુધીમાં ૩૩૧૨ લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને ૮૧૫૫૪ લોકો ચીનમાં સંક્રમિત થયાં છે. ત્યાં ૭૬૨૩૮ લોકો સંક્રમણ મુકત બન્યા છે. મંગળવારથી દેશમાં ૩૬ નવા સંક્રમણનાં કેસ આવ્યા છે અને સાત લોકોનાં મોત નીપજયાં છે.

ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ૩૫૨૩ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. જયારે ૫૨૧૨૮ લોકો સંક્રમણગ્રસ્ત થયાની પુષ્ટિ થઈ છે. અમેરિકામાં સૌથી વધુ ૧૮૯૬૩૩ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. દેશમાં વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં ૪૦૮૧ લોકોનાં મોત નીપજયાં છે જયારે ૭૧૩૮ લોકો આ સંક્રમણમાંથી સાજા થયાના અહેવાલ છે.

સુપરપાવર અમેરિકા આ સમયે કોરોના વાયરસના સૌથી મોટા હુમલાનો સામનો કરી રહ્યું છે. દુનિયામાં સૌથી વધુ કોરોના પોઝીટીવ લોકો અમેરિકામાં છે અને મૃત્યુ આંક પણ ઝડપથી વધી રહ્યો છે. એકસપર્ટ્સનું માનવુ છે કે આગામી ૨ અઠવાડિયામાં આ ઘાતક વાયરસ ચરમ સીમાએ પહોંચશે. તેવામાં અત્યાર સુધી ઢીલુ વલણ અપનાવતી રહી દેશની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે કોરોના વાયરસથી બચવા માટે આશરે ૧૫ દિવસ પહેલા જારી કરેલી ગાઇડલાઇન્સને વધુ ૩૦ દિવસ માટે વધારી દીધી છે. સરકારને ડર છે કે આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવવાથી દેશમાં ૧થી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે.

અત્યાર સુધી આ મહામારીથી અમેરિકાને સુરક્ષિત સાબિત કરવાનો પ્રયાસ કરી રહેલા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આગામી ૨ અઠવાડિયામાં દેશ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થશે. ટ્રમ્પ બાદ તેના ટાસ્ક ફોર્સના ટોપ હેલ્થ ઓફિસર ડો. બેબોરા બકર્સે કહ્યું કે ગાઇડલાઇન્સનું પાલન કર્યા બાદ પણ ૧ લાખથી ૨.૪ લાખ લોકોના મોત થવાની આશંકા છે.

(10:47 am IST)