Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

છેડતીની ફરિયાદ કરનારાના પિતાની ફાયરિંગ કરી હત્યા

ઉત્તર પ્રદેશમાં ગુનેગારો બેફામ : આરોપી છેડતીના કેસમાં ૨૦૧૮માં જેલમાં ગયો હતો અને એક મહિના બાદ જ જામીન ઉપર છૂટી ગયો હતો

હાથરસ, તા. ૨ : યુપીના હાથરસમાં પુત્રી સાથે છેડતીની ફરિયાદ કરનારા પિતાની આરોપીએ ગોળી મારી હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. વર્ષ ૨૦૧૮માં છેડતીના કેસમાં જેલ જઇ ચૂકેલા અને જામીન પર બહાર આવેલા આરોપીએ પીડિતાના પિતાની સોમવારે કથિત રીતે ગોળી મારીને હત્યા કરી હતી.

આ મામલે પોલીસનું કહેવું છે કે, આરોપી ગૌરવ શર્મા વર્ષ ૨૦૧૮માં છેડતીના કેસમાં જેલ ગયો હતો અને એક મહિના બાદ જામીન પર બહાર આવી ગયો હતો. પીડિતાના પિતાએ તેની વિરુદ્ધ કેસ કર્યો હતો. સોમવારે ગામના એક મંદિરની બહાર આરોપી અને પીડિતાના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ગૌરવ શર્માએ અમરીશ પર ફાયરિંગ કર્યું હતું અને તેમનું મોત નિપજ્યું હતું.

આ મામલે મૃતક અમરીશની પુત્રીનું કહેવું છે કે, મારી સાથે છેડતીની ફરિયાદ પિતાએ પોલીસમાં કરી હતી. આ વાતને લઇને મારા પિતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. યુવતીએ ગોળી મારનારનું નામ ગૌરવ શર્મા બતાવ્યું છે. યુવતીનું કહેવું છે કે, તેમની વચ્ચે એક જૂનો કેસ ચાલી રહ્યો હતો. જેના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

સોમવારે પીડિતા એક પોલીસ સ્ટેશનની બહાર રડતી અને ન્યાય માંગતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું કે, મને ન્યાય આપો. પહેલાં તેણે મારી સાથે છેડતી કરી અને હવે મારા પિતાને ગોળી મારી દીધી. તે અમારા ગામમાં આવ્યો હતો. તેની સાથે છ-સાત લોકો હતાં. મારા પિતાની કોઇની સાથે દુશ્મનાવટ નહોતી.

(8:02 pm IST)