Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ખેડૂતો અને કામદાર યુનિયનો હાથ મિલાવીને કરશે કૃષિ કાનૂનો અને લેબર કોડનો વિરોધ

સરકારની મુશ્કેલીઓમાં વધારો

નવી દિલ્હી, તા.૨: સંયુકત કિસાન મોર્ચા હેઠળના કૃષિ સંગઠનો અને ૧૦ કેન્દ્રિય કામદાર યુનિયનો તેમની માંગણીઓ માટે એક સંયુકત અભિયાન ચલાવવા અને સંયુકત એકશન પ્લાન ઘડવા સહમત થયા છે. સોમવારે સાંજે બન્ને પક્ષના પ્રતિનીધીઓની મીટીંગમાં આવો નિર્ણય લેવાયો હતો. પણ મંગળવારે મળનારી સંયુકત કિસાન મોર્ચાની જનરલ બોડી મીટીંગમાં તેની છણાવટ કરવામાં આવશે.

સંયુકત કિસાન મોર્ચો આ મીટીંગમાં આગામી વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાજપ વિરોધી પ્રચારની શકયતાઓ અંગે પણ ચર્ચા કરશે. અમુક સભ્યોએ આના માટેની રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે પણ અન્ય સભ્યો આ બાબતે બહુ ઉત્સાહી નથી.

ઓલ ઇન્ડિયા કિસાન સભાના ખજાનચી ક્રિશ્નપ્રસાદ જે આ મીટીંગમાં હાજર હતા તેમણે કહ્યું કે મીટીંગમાં એક સંયુકત અભિયાન પાંચ માંગણીઓ માટે ચલાવવાનું નકકી થયું હતું. જેમાં ત્રણ માંગણીઓ ખેડૂતોની- કૃષિ કાનૂનો પાછા ખેંચવા, વીજ બીલ રદ કરવા અને એમએસપીની કાયદાકીય ખાત્રી તથા બે માંગણીઓ કામદાર યુનિયનોની જેમાં લેબર કોડ પાછા ખેંચવા અને ખાનગીકરણ બંધ કરવુંનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતીમાં આ મીટીંગ રાજકીય રીતે બહુ મહત્વની છે.

(3:04 pm IST)