Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

બળાત્કારના આરોપીને કોર્ટે પુછયુ : શું પીડિતા સાથે લગ્ન કરીશ ?

આરોપી અધિકારીએ બોમ્બે હાઇકોર્ટે (ઔરંગાબાદ બેંચ)ના તે ચુકાદાને પડકાર્યો છે, જેમાં આગોતરા જામીન અરજીને નકારી દેવામાં આવી છે

નવી દિલ્હી,તા.૨: સુપ્રીમ કોર્ટએ સોમવારે એક સુનાવણી દરમિયાન દુષ્કર્મના આરોપીને પૂછ્યુ કે શું તે પીડિતાની સાથે લગ્ન કરવા તૈયાર છે? આરોપી અધિકારીએ બોમ્બે હાઈકોર્ટ (ઔરંગાબાદ બેંચ) ના તે ચુકાદાને પડકાર્યો છે, જેમાં આગોતરા જામીન અરજીને નકારી દેવામાં આવી છે. ઘટનાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ આરોપી અરજીકર્તાને પૂછ્યુ કે શું તું તેની સાથે લગ્ન કરીશ? તેના પર અરજીકર્તાના વકીલે કહ્યુ કે, તેને આ માટે પૂછવુ પડશે. અરજીકર્તાના વકીલે કહ્યુ કે, તેનો કલાયન્ટ સરકારી અધિકારી છે અને જો ધરપકડ થાય તો તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ દલીલ પર સુપ્રીમે કર્યુ કે, સગીર યુવતી સાથે દુષ્કર્મ કરતા પહેલા આ વિચારવાની જરૂર હતી.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અરજીને નકારતા કહ્યું કે, અરજીકર્તા એક નિયમિત બેંચમાં જવા માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટની આ બેચમાં સીજેઆઈ બોબડે સિવાય જસ્ટિસ એ એસ બોપન્ના, પી રામાસુબ્રમણ્યમ પણ સામેલ હતા. બેંચે અરજીકર્તાને ૪ સપ્તાહ સુધી ધરપકડમાંથી રાહત આપી છે. હકીકતમાં ૨૦૧૯મા આરોપી વિરુદ્ઘ સગીર સાથે દુષ્કર્મનો કેસ અને પોસ્કો એકટ હેઠળ કેસ દાખલ નોંધવામાં આવ્યો છે.

મામલામાં આરોપીને સેશન કોર્ટથી આગોતરા જામીન મળ્યા હતા, પરંતુ હાઈકોર્ટમાંથી જામીન ન મળ્યા, ત્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કહ્યુ કે, જો તે લગ્ન કરવા ઈચ્છે છે તો તેની જાણકારી આપો. બાદમાં અરજીકર્તાના વકીલે કોર્ટને જાણકારી આપી કે લગ્ન કરવા સંભવ નથી, કારણ કે અરજીકર્તા પહેલાથી પરણેલો છે. વકીલે કોર્ટને કહ્યુ કે, અરજીકર્તા પહેલા યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ તેણે ઇનકાર કરી દીધો હતો.

૨૩ વર્ષના સુભાષ ચવ્હાણ પર વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં એક ૧૬ વર્ષની યુવતી પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તે પણ સ્પષ્ટ કર્યુ કે, અરજીકર્તા પર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું નથી. દુષ્કર્મના આરોપીએ વાયદો કર્યો હતો કે યુવતી વયસ્ક થશે તો તે લગ્ન કરી લેશે, પરંતુ તેણે ન કરતા કેસ દાખલ થયો હતો.

(10:39 am IST)