Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ચીફ જસ્ટિસ બોબડેનો વેધક સવાલ

લીવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ વચ્ચેના જાતિય સંબંધને રેપ ગણી શકાય ?

સુપ્રીમ કોર્ટે ફરી એક વાર દાંમ્પત્ય જીવનના રેપ સંબંધિત મુદ્દા પર ચર્ચાને જન્મ આપ્યો છે. : કથિત રેપ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસની મોટી ટીપ્પણી : લગ્નનું ખોટું વચન આપવું ખોટું-ચીફ જસ્ટિસ બોબડે : લીવ ઈન રિલેશનશીપમાં રહેતી મહિલાએ પુરુષ પર રેપનો આરોપ લગાવ્યો હતો.

નવી દિલ્હી,તા. ૨: કથિત રેપ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડે એવી ટીપ્પણી કરી કે કોઈ યુગલ પતિ-પત્ની તરીકે સાથે રહેતું હોય, તો શું પતિને ક્રૂર માણસ માની શકાય.

ચીફ જસ્ટિસે એવો પણ સવાલ ઉઠાવ્યો કે શું પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધને રેપ ગણી શકાય.

તેમણે કહ્યું કે લગ્નનું ખોટું વચન આપવું ખોટું છે. કોઈએ પણ લગ્નની ખોટી લાલચ ન આપવી જોઈએ અને સંબંધનો અંત ન લાવવો જોઈએ. પરંતુ આ વાતથી જાતિય સંબંધ રેપ છે તેવું સાબિત થતું નથી. કોર્ટે કહ્યું કે અમે અગાઉના એક ચુકાદામાં આ કેસનું સમાધાન કરી ચૂકયા છીએ.

અરજદાર મહિલાનું આ કોઈ નવું કૃત્ય નથી કારણ કે આ પહેલા પણ તેણે ઓફિસમાં બે લોકો સાથે આવું કામ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટ એક પુરુષની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ પુરુષ પર છેલ્લા બે વર્ષથી લીવ ઈન રિલેશનશીપમાં રહેતી એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો હતો. આ પુરુષે બીજી  મહિલા સાથે લગ્ન કરી લેતા તેણે પુરુષની સામે રેપની ફરિયાદ દાખલ કરાવી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦૧૯ માં એફઆઈઆર રદ કરવાની અરજદારની અરજી રદ કરી દીધી હતી. હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમમાં પડકારયો હતો.

ફરિયાદી મહિલાના જણાવ્યાનુસાર યુપીમાં રહેતા આ યુગલ બે વર્ષથી સાથે રહેતું હતું પરંતુ મહિલાએ લગ્ન થતા સુધી પુરુષ સાથે જાતિય સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. મહિલાના વકીલે કહ્યું કે ફેબ્રુઆરી ૨૦૧૪ માં આ યુગલ મનાલી ફરવા ગયું હતું ત્યાં હિડંબા ટેમ્પલમાં તેમણે લગ્ન કરી કર્યાં હતા.

પુરુષે આ લગ્ન થયા હોવાનો ઈન્કાર કરતા એવી દલીલ કરી કે તેઓ બન્ને પરસ્પર સહમતિથી લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા જયારે મહિલાએ એવો દાવો કર્યો કે જાતિય સંબંધ બાંધવાની મંજૂરી ખોટી રીતે મેળવવામાં આવી હતી કારણ કે તેણે મંદિરમાં થયેલા લગ્નને સાચા માની લીધા હતા.

(10:37 am IST)