Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ચૂંટણી ટાણે જ કોંગ્રેસ નેતા આનંદ શર્માએ હાઇકમાન્ડને ઘેર્યું : પશ્ચિમબંગાળમાં સિદ્દીકી સાથે ગઠબંધન સામે ઉઠાવ્યા સવાલ

શર્માએ કહ્યું કે ગઠબંધનનો આ નિર્ણય પક્ષની વિચારધારાની વિરુદ્ધ : આઇએસએફ સાથે જોડાણ એ પાર્ટીની આત્મા ગાંધીવાદી અને નહેરુવાદી બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ છે

નવી દિલ્હી : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી છે પાર્ટીના નેતૃત્વ સામે બળવો પોકારનારા જી -23માં જોડાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પીરઝાદા અબ્બાસ સિદ્દીકીના ભારતીય સેક્યુલર મોરચા (ISF) સાથે પાર્ટીના જોડાણ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. શર્માએ કહ્યું કે ગઠબંધનનો આ નિર્ણય પક્ષની વિચારધારાની વિરુદ્ધ છે.

સોમવારે ટ્વીટ કરીને આનંદ શર્માએ પશ્ચિમ બંગાળમાં આઇએસએફ કોંગ્રેસ-ડાબેરી જોડાણમાં સામેલ થવાને લઇને પ્રશ્નો ઉભા કર્યા છે.

શર્માએ કહ્યું, 'આઈએસએફ જેવા પક્ષો સાથે જોડાણ અને આવી અન્ય શક્તિઓ પાર્ટીની મૂળ વિચારધારાની વિરુદ્ધ છે.' તેમણે કહ્યું કે આ નિર્ણય પાર્ટીની આત્મા ગાંધીવાદી અને નહેરુવાદી બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ છે. આવા નિર્ણયો માટે કેન્દ્રીય કાર્યકારી સમિતિની મંજૂરીની જરૂર હોય છે. શર્માએ વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસ સાંપ્રદાયિક શક્તિઓ સામે લડવામાં સિલેક્ટિવ ન હોઈ શકે. પાર્ટીએ ધર્મ અને રંગને ધ્યાનમાં લીધા વિના તમામ જગ્યાએ સાંપ્રદાયિકતાનો વિરોધ કરવો જોઈએ. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે તેને પ્રોત્સાહન આપવું દુ:ખદાયક અને શરમજનક છે. આ અંગે તેમને સ્પષ્ટતા આપવી જોઈએ.'

પીરઝાદા અબ્બાસ સિદ્દીકી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ફુરફુરા શરીફના પ્રભાવશાળી મૌલવી માનવામાં આવે છે. કેટલાક સમય પહેલા સિદ્દીકી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની નજીક હતા, તેમણે તાજેતરમાં નવી પાર્ટી ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઈએસએફ)ની રચના કરી. અસદુદ્દીન ઓવૈસી સાથે મળીને પાર્ટી શરૂઆતમાં ચૂંટણી લડવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ ગયા અઠવાડિયે જ આઈએસએફએ ડાબેરી-કોંગ્રેસ જોડાણમાં જોડાવાની ઘોષણા કરી હતી. તાજેતરના મહિનાઓમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ અનેક વાર પાર્ટીના નેતૃત્વના નિર્ણયો અંગે જાહેરમાં સવાલ ઉઠાવ્યા છે. બે દિવસ પહેલા વિદ્રોહી વલણ અપનાવનારા જી -23 જૂથના નેતાઓ જમ્મુમાં એક કાર્યક્રમમાં ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં તમામ નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સતત નબળી પડી રહી છે.

કાર્યક્રમમાં આનંદ શર્માએ પક્ષના નેતૃત્વ પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું હતું કે, અમારામાંથી કોઈ બારીમાંથી આવ્યું નથી. અમે બધા વિદ્યાર્થી આંદોલન અને યુવા આંદોલનમાંથી આવ્યા છીએ. તેમણે કહ્યું કે અમે કોંગ્રેસના છીએ કે નહીં તે અમને કોઇ જણાવી શકે નહીં. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ નબળી પડી છે. કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, રાજ બબ્બર, મનીષ તિવારી સહિત કેટલાય વરિષ્ઠ નેતાઓએ આ કાર્યક્રમમાં કોંગ્રેસની હાલની સ્થિતિને લઈને પાર્ટીના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું.

(12:27 am IST)