Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બે મતદારક્ષેત્રોમાં એક સાથે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકતો આદેશ કરવાની માગ કરતી અરજીને સુપ્રીમકોર્ટે ફગાવી દીધી

કાયદામાં ફેરફાર કરવા માંગો છો, તો સંસદમાં જાઓ. તેની સત્તા માત્ર સંસદ પાસે

નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે બે મતદારક્ષેત્રોની એક સાથે ચૂંટણી પર પ્રતિબંધ મૂકતો આદેશ પસાર કરવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. CJIની આગેવાની હેઠળની બેન્ચે એ અવલોકન સાથે પીઆઈએલને ફગાવી દીધી હતી કે જન પ્રતિનિધિત્વ કાયદો ભારતીય નાગરિકોને તેની મુક્તિ અને અધિકારો આપે છે. આવી સ્થિતિમાં, જો તમે કાયદામાં ફેરફાર કરવા માંગો છો, તો સંસદમાં જાઓ. તેની સત્તા માત્ર સંસદ પાસે છે.

એક વ્યક્તિ માટે માત્ર એક જ સીટ (એક વ્યક્તિ, એક સીટ) પર ચૂંટણી લડવા માટે કાયદો બનાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 1996 સુધી વ્યક્તિ ઘણી સીટો પર ચૂંટણી લડી શકતો હતો. પરંતુ હવે માત્ર બે પર જ લડી શકે છે. ઘણા દેશોમાં માત્ર એક જ સીટ પરથી ચૂંટણી લડવાની જોગવાઈ છે. અરજદારે દલીલ કરી હતી કે આ બંધારણની કલમ 19નું ઉલ્લંઘન છે.

અરજદારના વકીલે કહ્યું કે આ ખોટું છે કારણ કે બે જગ્યાએથી જીત્યા બાદ એક સીટ બાકી રહે છે. ત્યાં ફરીથી ચૂંટણી યોજવી પડે. તમામ ખર્ચની સાથે મતદારે પણ ફરી મતદાન મથકે જવું પડે છે. તેથી તે કલમ 19નું ઉલ્લંઘન છે. CJIએ આ દલીલ પર કહ્યું કે આ બધું જોવું એ કામ સુપ્રીમનું નથી. સુપ્રીમ કોર્ટે આ અરજીમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે સંસદે 1996માં આવા કાયદામાં સુધારો કર્યો છે, તેથી આ અરજીને ફગાવી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 33(7) ને રદ્દ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તે ઉમેદવારોને બે મતદારક્ષેત્રોમાંથી ચૂંટણી લડવાની મંજૂરી આપે છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયની અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, “આ એક નીતિ વિષયક છે. રાજકીય લોકશાહીનો મુદ્દો છે. સંસદે તેના પર નિર્ણય લેવાનો છે.”

(9:10 pm IST)