Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મધ્યપ્રદેશના ઇસ્લામનગર ગામનું નામ બદલી જગદીશપુર કરી દેવાયું :કેન્દ્ર સરકારે આપી લીલીઝંડી : નોટિફિકેશન જાહેર

ઓરંગઝેબના ભાગેડુ સૈનિકે રાજપૂત રાજાને ડિનર પર બોલાવ્યા હતા અને પછી હત્યા કરીને ગામનું નામ બદલી નાખ્યુ હતુ

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલથી 14 કિલોમીટર દુર આવેલા ઇસ્લામ નગર ગામનું નામ બદલીને જગદીશપુર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ગામનું નામ જગદીશપુર કરવાને લીલી ઝંડી આપી છે. રાજ્ય સરકારે પણ નોટિફિકેશન જાહેર કરીને ગામનું નામ બદલીને જગદીશપુર કરી દીધુ છે. આ ગામ પાછળ જૂનો ઇતિહાસ જોડાયેલો છે. ઓરંગઝેબના ભાગેડુ સૈનિકે રાજપૂત રાજાને ડિનર પર બોલાવ્યા હતા અને પછી હત્યા કરીને ગામનું નામ બદલી નાખ્યુ હતુ  

જગદીશપુરથી ઇસ્લામ નગર બનવાની કહાની રૂવાડા ઉભા કરી નાખે તેવી છે. ઓરંગઝેબની સેનાના ભાગેડુ સૈનિક મોહમ્મદ ખાને 308 વર્ષ પહેલા તેનું નામ ઇસ્લામ નગર કર્યુ હતુ. આ ગામનું નામ જગદીશપુર કરવાની ફાઇલ 30 વર્ષથી ચાલતી હતી.

ઓરંગઝેબની સેનાનો ભાગેડુ સૈનિક મોહમ્મદ ખાન અફઘાનિસ્તાનના ખૈબરના તીરાહનો રહેવાસી હતો. તે એટલો ક્રોધી સ્વભાવનો હતો કે નાની વાત પર થયેલા ઝઘડામાં તેને શરણ આપનારા અમીર જલાલ ખાનના જમાઇની હત્યા કરી નાખી હતી. ત્યાથી ભાગીને તે કરનાલ અને પછી દિલ્હી જતો રહ્યો હતો. અહી મુગલ સેનામાં ભરતી થઇ ગયો હતો.

મુગલ અને મરાઠા યુદ્ધને કારણે દોસ્ત મોહમ્મદ 1703માં માલવા આવી ગયો હતો, તેને પોતાના હથિયાર વિદિશાના શાસક મોહમ્મદ ફારૂખ પાસે જમા કરાવ્યા હતા અને સામાન્ય ઝઘડા બાદ તેની પણ હત્યા કરી નાખી હતી. તે બાદ તે મંગલગઢમાં શરણ મેળવવામાં સફળ થયો હતો અને ત્યાથી મહારાજ-મહારાની સાથે મહેલમાં રહેવા લાગ્યો હતો.

મંગલગઢના મહારાજનું મોત થતા દોસ્ત મોહમ્મદે મંગલગઢને પણ લૂંટી લીધો હતો અને તમામ ખજાનો લઇને બૈરસિયા જતો રહ્યો હતો. અહી પણ પોતાના સ્વભાવના અનુરૂપ તેને અહીના સૂબેદાર તાજ મોહમ્મદ સાથે પહેલા તો બૈરસિયાને લીજ પર લીધુ અને પછી તેની સાથે વિશ્વાસઘઆત કરીને બૈરસિયા પર કબજો જમાવી લીધો હતો.

જગદીશપુરમાં 11મી સદીના પરમાર કાલીન મંદિરના પત્થર અને મૂર્તિ મળે છે. શક્ય છે કે અહી પરમાર કાળના મંદિર રહ્યા હશે. પરમારો ઉપરાંત આ વિસ્તાર ગઢા-મંડલા જબલપુરના ગોંડ રાજા સંગ્રામ શાહના બાવન ગઢમાંથી એક હતો, માટે અહી એક ગોંડ મહેલ પણ છે. ગોંડ શાસન પછી આ ગઢ અને કિલ્લો દેવડા રાજપૂતોના આધીન રહ્યો. 1715માં દોસ્ત મોહમ્મદ ખાને જગદીશપુર પર આક્રમણ કર્યુ હતુ પરંતુ તેને સફળતા મળી નહતી.

રાજપૂતો પર આક્રમણમાં નિષ્ફળ રહેલા દોસ્ત મોહમ્મદે પોતાના સ્વભાવના અનુરૂપ ષડયંત્રનો સહારો લીધો હતો, તેને રાજપૂત શાસક દેવરા ચૌહાણને બેસ નદીના કિનારે ભોજન માટે બોલાવ્યા હતા. જ્યારે તમામ દેવરા ચૌહાણ સહિત રાજપૂત મહેમાન ડિનર કરી રહ્યા હતા ત્યારે તંબુની રસ્સી કાપી નાખવામાં આવી હતી અને તમામ રાજપૂતોને મારી નાખવામાં આવ્યા હતા.

કહે છે કે અહી એટલુ લોહી વહ્યુ કે નદીનું પાણી લાલ થઇ ગયુ હતુ અને ત્યારથી આ નદી હલાલીના નામથી ઓળખાવા લાગી હતી. આ રીતે વિશ્વાસઘાત કરીને જગદીશપુર પર દોસ્ત મોહમ્મદે કબજો કરી લીધો હતો અને તેનું નામ બદલીને ઇસ્લામનગર કરી દીધુ હતુ

(8:18 pm IST)