Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજસ્થાનને અડીને આવેલી પાક.ની સરહદમાં ધરતીકંપ

ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન સરહદી વિસ્તારની અંદર : ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી, ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે

જયપુર, તા.૨ : રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાનની સરહદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન સરહદી વિસ્તારની અંદર છે.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી છે. પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ભૂકંપની આ ઘટના ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૯:૧૪ વાગ્યે બની હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે છે.

આ અગાઉ પાકિસ્તાન સરહદની એકદમ નજીક ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રાજસ્થાનના ૬ જિલ્લામાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે જિલ્લાઓમાં આ આંચકા અનુભવાયા હતા તેમાં જયપુર, ટોંક, જાલોર, શ્રીગંગાનગર, બુંદી અને બિકાનેરનો સમાવેશ થાય છે. તે સમયે ભૂકંપના આંચકાને કારણે કોઈ જાન-માલનું નુકસાન નહોતુ થયુ. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ પણ નહોતો થયો.

રાજસ્થાનની સરહદે આવેલા પાકિસ્તાનના બહાવલપુરમાં ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

૩ દિવસ પહેલા પાકિસ્તાનના અનેક હિસ્સામાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ, રાવલપિંડી અને દેશના અન્ય વિસ્તારોમાં અનુભવાયા હતા.

(7:25 pm IST)