Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મનરેગા બજેટમાં સતત ત્રીજા વર્ષે મુકાયો ૩૪ ટકાનો કાપ

બજેટ ૨૦૨૩ - ૨૪ : ચાલુ નાણાકીય વર્ષમાં ૨૫ હજાર કરોડનું પેમેન્‍ટ બાકી

નવી દિલ્‍હી તા. ૨ : ગામડાઓમાં શ્રમિકોનો સૌથી મોટો સહારો બનનાર મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય રોજગાર ગેરેંટી કાયદો (મનરેગા)માં સતત રોજગારીના દિવસો ઘટી રહ્યા છે એટલું જ નહીં સરેરાશ ૧૦ લોકોને માંગને અનુરૂપ રોજગાર અને તેનું પેમેન્‍ટ પણ નથી ચુકવાઇ રહ્યું.

આ વખતના બજેટમાં મનરેગા માટે કુલ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે જે ગયા વર્ષના સુધારેલા બજેટના ૮૯,૦૦૦ કરોડ રૂપિયાથી લગભગ ૩૪ ટકા ઓછું છે.

આ સતત ત્રીજું વરસ છે જેમાં મનરેગા બજેટમાં કાપ મુકાયો છે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫.૫ ટકા અને ૨૦૨૧-૨૨માં ૩૪ ટકા કાપ મુકાયો હતો. બજેટ ઘટવાનો સીધો અર્થ એ છે કે શ્રમ દિવસ અને રોજગારીની તકો ઘટશે.

નરેગા સંઘર્ષ મોરચાના એકટીવીસ્‍ટ નિખીલ ડે એ જણાવ્‍યું કે, મનરેગા હેઠળ પેમેન્‍ટનો ડુંગર મોટો થતો જાય છે. નિખીલ ડે અનુસાર, મનરેગા હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જાન્‍યુઆરી સુધીમાં લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા નથી ચુકવાયા જે નાણાકીય વર્ષ પુરૂં થાય ત્‍યાં સુધીમાં ૨૫ હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

તો નિષ્‍ણાંતોનું માનવું છે કે મનરેગા ગ્રામ્‍ય અર્થવ્‍યવસ્‍થાને ગતિ પ્રદાન કરનાર એક મોટું હથિયાર છે. ખાસ કરીને ભૂમિહીન મજુરો અને સીમાંત ખેડૂતો માટે આ એક મોટી સપોર્ટ સીસ્‍ટમ છે. માંગ હોવા છતાં તેના બજેટમાં કાપ મુકાયો છે.

નિષ્‍ણાંતો અનુસાર, બજેટની જોગવાઇ સરકારના વાસ્‍તવિક ખર્ચને અસર નથી કરતી. આ માંગ આધારિત યોજના છે અને સરકારે ૧૦૦ દિવસની રોજગારીની કાયદાકીય જોગવાઇ કરેલી છે. એટલે જો માંગ વધે તો બજેટમાં ખર્ચ વધારી શકાય છે

(4:12 pm IST)