Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

૭ લાખ સુધીની આવક કરમુક્‍ત છતાં લોકો સોશિયલ મીડિયા પર નારાજગી કેમ વ્‍યક્‍ત કરી રહ્યા છે ?

છૂટ ફક્‍ત નવા ટેક્‍સ સિસ્‍ટમમાં જ આપવામાં આવી છેઃ જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી રહ્યા છેઃ લોકોનું કહેવું છે કે જૂની ટેક્‍સ વ્‍યવસ્‍થામાં પણ ૭ લાખ સુધીની આવક પર ટેક્‍સ છૂટ આપવી જોઈતી હતી

નવી દિલ્‍હી,તા.૨: નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું સામાન્‍ય બજેટ રજૂ કર્યું. નરેન્‍દ્રભાઇ મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ દરમિયાન નાણામંત્રીએ વર્ષ માટે બ્‍લુ પ્રિન્‍ટ રજૂ કરી હતી.

બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ પગારદારોને રાહત આપતા ટેક્‍સ સ્‍લેબમાં ફેરફારની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આવકવેરામાં છૂટ ૫ લાખ રૂપિયાથી વધારીને ૭ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે જેમની વાર્ષિક આવક ૭ લાખ સુધી હશે, તેમણે કોઈ ટેક્‍સ ચૂકવવો પડશે નહીં.

આમ છતાં લોકો સોશિયલ મીડિયા પર સરકાર પ્રત્‍યે પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી રહ્યા છે. 80C અને નવી ટેક્‍સ રેજીમ સોશિયલ મીડિયા પર ટ્રેન્‍ડ કરી રહી છે. આવો જાણીએ આવકવેરાની મર્યાદા વધારવામાં આવ્‍યા બાદ પણ લોકો કેમ નારાજ છે?

વાસ્‍તવમાં, આ ફેરફાર નવા ટેક્‍સ પ્રણાલીમાં જ કરવામાં આવ્‍યો છે. આનો મતલબ એ છે કે જે લોકો નવી ટેક્‍સ સિસ્‍ટમ પસંદ કરે છે તેમને ૭ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્‍સ ચૂકવવો પડશે નહીં. હવે સમસ્‍યા એ છે કે નવી ટેક્‍સ સિસ્‍ટમ પસંદ કરવા પર, જૂની ટેક્‍સ સિસ્‍ટમમાં ઉપલબ્‍ધ 80C સહિત ઘણી ટેક્‍સ કપાતનો દાવો કરી શકાતો નથી.

કલમ 80C આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળનો સરકારી નિયમ છે. આ હેઠળ, કરદાતાઓ ચોક્કસ નિર્ધારિત આવશ્‍યક ખર્ચાઓ અને રોકાણો પર કર મુક્‍તિ લઈ શકે છે. 80C હેઠળ, EPF, સ્‍કૂલ ફી, PPF, હોમ લોનની ચુકવણી, ELS, સુકન્‍યા સમૃદ્ધિ યોજના, NSC જેવા ખર્ચ પર કપાતનો દાવો કરી શકાય છે.

લોકો માંગ કરી રહ્યા હતા કે આ બજેટમાં 80C હેઠળની છૂટને વધારીને ૨ લાખ કરવામાં આવે. આ સિવાય સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન પણ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧ લાખ રૂપિયા કરવું જોઈએ. પરંતુ સરકારે જૂની ટેક્‍સ સિસ્‍ટમ પસંદ કરનારાઓને કોઈ રાહત આપી નથી. લોકોનું કહેવું છે કે તમામ છૂટનો દાવો કરતા પહેલા પણ ૭ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્‍સ ચૂકવવો પડતો ન હતો. તેના બદલે ૭ લાખથી વધુની કમાણી કરનારા લોકો પણ ણ્‍ય્‍ખ્‍, હોમ લોન, PPF, NPS, મેડિકલ ઇન્‍શ્‍યોરન્‍સમાં કપાતનો દાવો કરીને તમામ ટેક્‍સ બચાવતા હતા. આવી સ્‍થિતિમાં, નવી કર વ્‍યવસ્‍થામાં આપવામાં આવેલી છૂટ વધુ કામની રહેશે નહીં.

કેન્‍દ્ર સરકારે ૧ ઓક્‍ટોબર ૨૦૨૦ ના રોજ નવી કર વ્‍યવસ્‍થા લાગુ કરી. આવકવેરાની આ પ્રણાલીમાં, નવા ટેક્‍સ સ્‍લેબ બનાવવામાં આવ્‍યા હતા જેમાં ટેક્‍સના દર ઓછા હતા પરંતુ આવકવેરામાં ઉપલબ્‍ધ તમામ કપાત અને મુક્‍તિઓ નાબૂદ કરવામાં આવી હતી. જો કે, સરકારનું કહેવું છે કે નવી ટેક્‍સ વ્‍યવસ્‍થાથી ટેક્‍સ ભરવાની પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ થઈ જશે. આ સિવાય લોકોને જૂની અને નવી ટેક્‍સ વ્‍યવસ્‍થા વચ્‍ચે પસંદગી કરવાની સ્‍વતંત્રતા છે.

ટ્‍વીટર પર એક યુઝરે લખ્‍યું કે, જૂના ટેક્‍સ રિજીમમાં કેમ કોઈ ફેરફાર ન થયો? 80C હેઠળ રૂ. ૧.૫ લાખની કર કપાતમાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી, મધ્‍યમ વર્ગના કરદાતાઓને કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. સરકારે નવા ટેક્‍સ શાસનમાં 80C અને હોમ લોન મુક્‍તિનો સમાવેશ કરવો જોઈએ. શું સરકાર બચતને નિરાશ કરી રહી છે?

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ટ્‍વિટર પર એક યુઝરે ટ્‍વિટ કર્યું અને લખ્‍યું, નવી ટેક્‍સ સ્‍કીમ પછી, CA સમજી ગયા છે કે હવે તેઓ ટેક્‍સ બચાવવા પર દાવ રમી શકશે નહીં, હવે 80C, HRA, NPS કોઈના કામના નથી. એક ફની મીમ શેર કરતી વખતે, અન્‍ય યુઝરે લખ્‍યું, ‘અરે ચુના લગા દિયા'.

(10:42 am IST)