Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઇંગ્‍લેન્‍ડમાં હડતાળોની પરંપરા ચાલુ : શિક્ષકો, કામદારો, બસ ડ્રાઇવરો, રેલ-કર્મચારીઓ હડતાલ ઉપર

અનેકવિધ જાહેર સેવાઓ ખોરવાતાં, જનતા તથા શુનક સરકાર બંને માટે મુશ્‍કેલીની પરંપરા

લંડન,તા.૨: બ્રિટન બુધવારે આફતોના ચક્રવ્‍યૂહમાં તેના શિક્ષક યુનિવર્સિટી પ્રોફેસરો, ટ્રેન અને બસ ડ્રાઇવરો તથા જાહેર ક્ષેત્રના કામદારો અને કર્મચારીઓ એકી સાથે હડતાળ પર જતાં ઋષિ શુનકની સરકાર તેમની જનતા પણ ભારે મુંઝવણમાં મુકાઈ ગઈ છે. તે સર્વે વધુ પગાર અને વધુ સારી સર્વિસીસ કંડીશન માગી રહ્યા છે.

આ અંગે વડાપ્રધાન શુનકના સત્તાવાર પ્રવક્‍તાએ પણ કબૂલ્‍યું હતું કે આ ‘માસ સ્‍ટ્રાઇક' જનતા માટે પણ ભારે મુશ્‍કેલીરૂપ બની રહેશે.

નેશનલ એજયુકેશન યુનિયન (NEu)  ના સભ્‍યો તેવા શિક્ષકોએ શિક્ષણ આપવાનો બહિષ્‍કાર કરી બહાર નીકળી જતાં ઇંગ્‍લેન્‍ડ અને વેલ્‍સની મળીને આશરે ૮૫ ટકા જેટલી ૨૩,૦૦૦ જેટલી શાળાઓ બંધ રહી હતી કે અપૂરતી ચાલુ રહી હતી. તેથી બાળકોના વાલીઓ પણ ચિંતાગ્રસ્‍ત બની ગયાં છે.

આમ છતાં યુ.કે.ના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, ‘પગાર વધારો' અશક્‍ય જ છે તેમણે વધુમાં કહ્યું કે, પગાર વધારા માટે ચર્ચા ચાલી રહી છે તે દરમિયાન જ પડેલી આ હડતાળથી હું ઘણો જ હતાશ થઈ ગયેલો છું. હડતાલ તે કૈં છેલ્લું પગલું ન બની શકે આગાહી વચ્‍ચે પણ મંત્રણાઓ ચાલુ છે.

આટલું ઓછું હોય તેમ ટ્રેન અને બસ ડ્રાઇવર તથા સરકારી કર્મચારીઓ અને સરકાર હસ્‍તકના ૧૨૪ એકમોના કર્મચારીઓ પણ વધુ પગાર અને વધુ સારી સર્વિસ કંડીશન્‍સની માંગણી માટે હડતાલ પર ગયા છે.

આ હડતાલ અંગે કામદાર સંઘોનું કહેવું છે કે, વિક્રમ-સર્જક ફુગાવાને લીધે પગારની ચોખ્‍ખી આવકમાં છેલ્લા દસકાથી ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ મંત્રીનું કહેવું છ કે, પગાર વધારાથી વિશેષતઃ ઉચ્‍ચ સ્‍તરે રહેલાઓના પગાર વધારાથી ઉલટાનો ફુગાવો વધી જશે. પરિણામે ફુગાવો નાથવાના શુનક સરકારના પ્રયત્‍નો આગામી સપ્તાહોમાં અને મહિનાઓમાં તદ્દન નિષ્‍ફળ બની રહેશે.

શુનક સરકાર સામે બીજી મુશ્‍કેલીઓ તોળાઈ રહી છે કે, આરોગ્‍ય ક્ષેત્રમાં પણ હડતાળ તોળાઈ રહી છે. આગામી સપ્તાહે નર્સો અને એમ્‍બ્‍યુલન્‍સ કર્મચારીઓ પણ છઠ્ઠી ફેબ્રુઆરીથી વધુ પગાર અને વધુ સારી સવલતોની માંગણીમાં ફરીથી હડતાલ પર ઉતરવાના છે.

(12:16 pm IST)