Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

હિમાચલમાં ભારે હિમવર્ષાઃ કેલોંગમાં માઇનસ ૧૪ ડિગ્રી

સોમવારથી હળવા વરસાદ અને બરફવર્ષાની હવામાન ખાતાની આગાહી

શિમલાઃ હિમાચલમાં ભારે બરફવર્ષાના કારણે જન જીવન ખોરંભાયું છે. ખેતી પશુપાલકોને પણ ભારે નુકશાન થયું છે. ૬-૬ ફુટના બરફના થર જામ્યા છે. જેથી વ્યાપક અસર થઇ છે. ચો તરફ સફેદ ચાદર પથરાઇ ગઇ છે. અનેક શહેરોના સંપર્કો તુટયા છે અને મોબાઇલ નેટવર્કને પણ અસર થવા પામી છે. રસ્તાઓ ઉપર પણ બરફના થર જામ્યા છે. હાલ થોડા દિવસો આવી જ સ્થીતી રહેવાની શકયતા હોવાનુ હવામાન ખાતાએ જણાવ્યું છે.

આ ઉપરાંત આજે સામાન્યથી માઇનસ ૧.૬ થી માઇનસ ૩ ડિગ્રી તાપમાન નીચુ નોંધાયુ હતુ. આ સ્થિતિ આવતા અઠવાડીયે  પણ રહે તેવી  હવામાન ખાતાએ આગાહી કરી છે. જયારે મનાલી તંત્ર દ્વારા લોકોને એવલોન્ચ થવાની શકયતા વાળા વિસ્તારમાં ન જવા સલાહ આપી છે.

પર્યટન સ્થળ મનાલીમાં માઇનસ ૩.૮, કુફરી માઇનસ ૨.૨, ડેલહાઉસી માઇનસ ૨.૨, જયારે લહોલ-સ્પીતીનું કેલાંગ માઇનસ ૧૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહયુ હતુ. કિન્નુરના કાલપામાં માઇનસ ૭.૮, ડિગ્રી તાપમાન નોંધાયેલ જયારે સીમલામાં ૨.૨ ડિગ્રી ઉષ્ણતામાન રહેલ.

દરમિયાન ગઇકાલે સાંજે ૫:૩૦ થી આજે સવારે ૮:૩૦ વાગ્યા સુધીમાં ડેલહાઉસીમાં ૮ સેમી, કાલપામાં ૭ અને કુકરીમાં ૪ સેમી બરફ વર્ષા નોંધાયુ હોવાનુ હવામાન વિભાગે જણાવેલ.

(3:41 pm IST)