Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

બજેટ જોગવાઇઓથી રીયલ એસ્ટેટમાં તેજીના એંધાણ

મંદીના વાદળો હટવાની શકયતા : બિલ્ડરો માટે અચ્છે દિન

મુંબઈ તા. ૨ : કેન્દ્રીય નાણાંપ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું જેમાં બિલ્ડર્સ અને મધ્યમ વર્ગ બંનેને ધ્યાને રાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા બિલ્ડર્સને ધ્યાને રાખી આપવામાં આવેલી રાહતોથી મુંબઈના બિલ્ડર્સને અચ્છે દિન દેખાવા લાગ્યા છે. તેમણે આશા વ્યકત કરી હતી કે આ બજેટ લાગુ કર્યા બાદ રિયલ એસ્ટેટમાં તેજી આવશે. કેમ કે આવકવેરામાં મળેલી છૂટથી લોકોને જે રૂપિયા બચશે તેનો ઉપયોગ સૌથી પહેલા તેઓ ઘર ખરીદવામાં કરશે. જેથી આ ક્ષેત્રે રહેલી મંદી દૂર થશે.

બિલ્ડર્સ મુજબ બજેટમાં કરવામાં આવેલ કેટલાક પ્રાવધાનથી જે બિલ્ડર એફોર્ડેબલ હાઉસિંગ સ્કિમ અંતર્ગત મકાનો બનાવે છે તેમને ઇન્કમ ટેકસમાં આગામી વર્ષથી કેટલાક વધુ લાભ મળી શકે છે. આ લાભ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી મંજૂરી મળેલી હાઉસિંગ સ્કિમને પણ આપવામાં આવી રહ્યો છે. તો મધ્યમ વર્ગ પોતાના રુપિયા બચતા સૌથી પહેલું કામ ઘર ખરીદવાનું કરશે જે પણ એફોર્ડેબલ હાઉસિંગ સ્કિમ બનાવતા બિલ્ડર્સને લાભ અપાવશે.

બજેટમાં રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા માટે જે ઘર વેચાયા ન હોય તેમના પર પહેલા ૨ વર્ષ સુધી કોઈ જાતનો કર લાગશે નહીં. તેમજ નાણાં પ્રધાને વેચાયેલા ઘરની ભાડા પર વસૂલવામાં આવતા કરમાં છૂટની મર્યાદાને હાઉસિંગ સ્કિમ પૂરી થયાના એક વર્ષ સુધી મળતી છૂટને વધારીને બે વર્ષ સુધી કરવાનો પ્રસ્તાવ પણ મૂકયો છે. એક રિપોર્ટ મુજબ આ સમયે દેશના સાત મોટા શહેરોમાં ૬૭૩ લાખથી વધારે એવા ઘર છે જેનો કોઈ ખરીદનાર નથી. આ ઘોષણાથી બિલ્ડર્સને રાહત મળશે.

જો તમારી પાસેબે ઘર છે અને તમે બીજા ઘરને વેચો છો તો તમને તમારે કેપિટલ ગેન ટેકસ આપવો પડતો હતો. પરંતુ વચગાળાના બજેટમાં આ ટેકસમાં છૂટનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. એટલે કે તમે પોતાની બંને સંપત્તિ પર કેપિટલ ગેન ટેકસમાં છૂટ મળેવી શકો છો. તો બીજી તરફ તમે એક ઘરનું વેચાણ કરીને તેનાથી મળેલી રકમમાંથી બે ઘર લો છો તો પણ તમારે કેપિટલ ગેન ટેકસ ચૂકવવો પડતો નથી.

જો તમારી પાસે બે ઘર છે તો તમે બંને ઘર ભાડાપટ્ટે આપી શકો છો. તેનાથી થતી આવક પર હવે કોઈ ટેકસ આપવો પડશે નહીં. આ પહેલા બીજા મકાનના નોશનલ રેટ પર ટેકસ આપવો પડતો હતો.

ઇન્કમ ટેકસના કાયદા મુજબ જે લોકો પાસે એકથી વધારે મકાન છે, તેમની પાસેથી તેમના કોઈ એક પસંદગીના મકાનને જ તેમનું ઘર માનવામાં આવતું હતું અને તેમની માલિકીનું બીજુ મકાન ભાડાપટ્ટે હોવાનું માની લેવામાં આવતું હતું અને તેના પર બજાર દરે ભાડાને ગણીને આ ભાડાની રકમ પર ટેકસ વસૂલવામાં આવતો હતો. પછી ભલેને તે મકાન સાવ ખાલી હોય અને એક પણ રુપિયો ભાડુ ન આવતું હોય તેમ છતા તમારે ટેકસ ભરવો પડતો હતો.

જો તમે કોઈને પોતાનું ઘર ભાડે આપી રાખ્યું છે તો એક લાખ ૮૦ હજાર સુધીની આવક પર TDS કપાતો નથી. તેનાથી ઉપરની રકમ પર ટીડીએસ કપાય છે. પરંતુ પીયૂષ ગોયલે પોતાના આ બજેટમાં આ મર્યાદાને વધારીને ૨ લાખ ૪૦ હજાર રૂપિયા કરી દીધી છે. ભાડાના ઘરમાં રહેતા ટેકસ પેયર્સ માટે આ એક મોટી રાહત છે. તેનાથી આવક માટે બીજુ ઘર ખરીદતા લોકોને પણ રાહત મળશે અને તેઓ બીજુ ઘર ખરીદવા માટે પ્રેરિત થશે.(૨૧.૧૦)

 

(1:26 pm IST)