Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ચીનની ફરીથી અવળચંડાઈ:કહ્યું ભારતે NSGમાં સ્થાન મેળવવું હોય તો પહેલાં NPTમાં હસ્તાક્ષર કરવા પડશે

ચીને કહ્યું હતું કે અમે નિયમોમાં બાંધછોડ કરીને ભારતને સભ્યપદ મળે એની તરફેણમાં નથી.

નવી દિલ્હી :NSGમાં ભારતનો પ્રવેશ અટકાવવા માટે ચીને ફરીથી અવળચંડાઈ શરૃ કરી છે. ચીને એવું કહીને ભારતના NSGમાં પ્રવેશ સામે પડકાર ખડો કર્યો છે કે ભારતે જો NSGમાં પ્રવેશ મેળવવો હોય તો પહેલાં NPTમાં હસ્તાક્ષર કરવા પડશે.

 ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ NSGનાં સંદર્ભમાં જણાવ્યું હતું કે ભારતે જો NSG ગુ્રપમાં પ્રવેશ કરવો હશે તો પહેલાં NPTમાં હસ્તાક્ષર કરવા પડશે. તે પહેલાં ચીન એમાં કોઈ જ બાંધછોડ નહીં કરે. ન્યુક્લિયર સપ્લાય ગુ્રપ-NSGમાં ભારતના પ્રવેશ આડે અવરોધ ઊભા કરતા ચીને વધુ એક વખત અવરોધ ઉભો કર્યો છે અને એ માટે નોન પ્રોલિફિરેશન ટ્રીટી- NPTમાં ભારતે સહમતી બતાવી નથી તેને કારણભૂત ગણાવ્યું છે.

  ચીને કહ્યું હતું કે અમે નિયમોમાં બાંધછોડ કરીને ભારતને સભ્યપદ મળે એની તરફેણમાં નથી. ભારતનો તર્ક એવો હતો કે ભારતે NPTમાં ભલે હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ ભારતનો ન્યુક્લિયર રેકોર્ડ બહુ સારો છે અને નો ફર્સ્ટ યુઝની નીતિ પણ ભારતે જાહેર કરી છે, તેના કારણે ભારતને NSGનું સભ્યપદ મળવું જોઈએ. એ તર્ક અમેરિકા, ફ્રાન્સ, રશિયા જેવા દેશોએ પણ સ્વીકાર્યો હતો, પણ ચીને સતત વિરોધ ચાલુ રાખ્યો છે.

    અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યો છે. એમાંથી એક પણ દેશ વિરોધ કરે તો NSGનું સભ્યપદ મળી શકે નહીં. ચીને અગાઉ પણ ભારતનો વિરોધ નોંધાવ્યો હતો. પેઈચિંગમાં પાંચેય કાયમી સભ્યદેશોની બેઠક મળવાની છે તે પહેલાં ચીન તરફથી આ નિવેદન આવ્યું હતું. ભારતે ગયા વર્ષે એપ્રિલથી ચીન સાથે આ મુદ્દે તબક્કાવાર ચર્ચા કરી હતી, તેમ છતાં તેની અસર ખાસ જોવા મળી ન હતી.

(12:00 am IST)